પૂ. સરકારશ્રીના હુલામણા નામથી ઓળખાતા સનાતન હિંદુ ધર્મ તથા પુષ્ટિ સંપ્રદાયના ચમકતા સુર્ય સમાન ઋષિતુલ્ય બ્રહ્મર્ષિ તૃતીય પીઠાધીશ કાંકરોલી નરેશ પુ. પા. ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીએ નિત્યલીલામાં પ્રવેશ કર્યો. પુષ્ટિ સંપ્રદાય માટે તો એક યુગ આથમી ગયો તેવું કહીએ તો બિલકુલ અતિશયોક્તિ ન ગણાય. પુ. સરકારશ્રીની આ દુનિયામાંથી સદેહે વિદાયથી સનાતન હિંદુ ધર્મને પણ ન પુરાય તેવી ખોટ પડશે. 

વૈદિક અને ભક્તિ પરંપરાના અગાધ જ્ઞાનના મહાસાગર એવા પુ. સરકારશ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીની ચારે વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્રો, પુરાણો, શ્રીમદ ભાગવત જેવા સનાતન હિંદુ ધર્મના મૂળ ગ્રંથો પર અતુલનીય મેધાવી પકડ હતી. પુ. સરકારશ્રીએ સંસ્કૃત ભાષામાં અગણિત સ્તોત્રની રચના કરીને પુષ્ટિ સંપ્રદાય માટે ઐતિહાસિક વારસો છોડીને ગયા છે. આપશ્રીએ સંસ્કૃત ભાષામાં હજારો શ્લોકની રચના કરીને તથા પુષ્ટિ સંપ્રદાયના અનેક ગ્રંથો પર ભાષ્ય અને ટીકાઓ કરીને સંપ્રદાયના જ્ઞાનના વારસાને સમૃદ્ધ કર્યો છે. 

ઇસ્લામ હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, જૈન હોય, બૌદ્ધ હોય – ગમે તે ધર્મ હોય કે ગમે તે સંપ્રદાય હોય – તમામ ધર્મો અને સંપ્રદાયો પર આપશ્રીનું જ્ઞાન કોઈને પણ એમના ચરણોમાં ઝૂકી જવા મજબૂર કરે એ કક્ષાનું હતું.  

કર્મશકિત, જ્ઞાનશકિત અને ભાવશકિતનો એક અભૂતપૂર્વ સમન્વય જેમના વિરલ વ્યકિતત્વમાં મૂર્તિમંત છે એવા પુષ્ટિભકિતમાર્ગના સ્થાપક જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીની ચૌદમી પેઢીએ જન્મેલા પુ. સરકારશ્રીનો કર્મયોગ એટલે એમની નિ:સ્વાર્થ કૃષ્ણસેવા અને માનવીને સાચો વૈષ્ણવ બનાવવાની એમની અવિરત મથામણ. એમનો જ્ઞાનયોગ એટલે એમની વિદ્વત્તા અને દેશ વિદેશના ભાવિકજનોને પુષ્ટિભકિત – કૃષ્ણ ભકિત સરળતાથી, સહજતાથી સમજાવવાની એમની લગન. એમનો ભકિતયોગ એટલે એમની નિઃસાધન પ્રભુભકિત અને નિષ્કામ પ્રેમભકિત.

વૈદિક અને ભક્તિ પરંપરાના ગ્રંથોમાં જ્ઞાન-પ્રચુર કરવામાં પુ. સરકારશ્રીનો ફાળો અદ્વિતીય રહ્યો છે. મારા માટે મારા વ્યક્તિગત જીવનમાં ન પુરી શકાય એવી ખોટ પડી છે.

પુષ્ટિમાર્ગના સ્થાપક જગદગુરુ શ્રીવલ્લભાચાર્યજીએ તત્વાર્થ દીપ નિબંધ પ્રકરણ ગ્રંથમાં ગુરુના લક્ષણો દર્શાવ્યા છે:

कृष्णसेवा परं वीक्ष्य दंभादिरहितं नरम् l 

श्रीभागवततत्वज्ञ भजेत् जिज्ञासुरादारात् ll 

કૃષ્ણસેવામાં તત્પર, દંભાદિ દુર્ગુણોથી રહિત તેમજ શ્રીમદ ભાગવત પુરાણના મર્મના જાણકાર છે કે નહીં તે સરખી રીતે જોઈ-જાણીને ચકાસીને જિજ્ઞાસુએ કોઈક પુરુષને આદર સહિત ગુરુ બનાવવા જોઈએ. 

જગદગુરુ શ્રીવલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે ગુરુ કૃષ્ણસેવામાં તત્પર તો હોવા જ જોઈએ તથા તે કૃષ્ણસેવા ભક્તિભાવ સિવાયના બીજા કોઈ પણ હેતુ (દંભ-કામ-લોભ-પ્રતિષ્ઠા)થી પ્રેરિત ન હોવી જોઈએ. અને તેના કારણે જ ગુરુમાં દંભાદિ ગુણો ન હોવા જોઈએ. 

પુ.પા. ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી જગદગુરુ શ્રીવલ્લભાચાર્યજીએ જે લક્ષણો ગુરુ માટે દર્શાવ્યા છે એવા જ ગુરુ હતા. આપશ્રી સતત કૃષ્ણસેવામાં લીન રહેતા અને તેઓને ક્યારેય કોઈપણ પ્રકારનો દંભ હતો જ નહીં. તેઓએ ક્યારેય લોભ માટે કે પ્રતિષ્ઠા માટે કે પૈસા માટે કૃષ્ણસેવાને માધ્યમ બનાવ્યું ન હોતું. તેઓ સાચા અર્થમાં ગુરુ હતા. તેઓ શ્રીમદ ભાગવતના મર્મજ્ઞ હતા. શ્રીમદ ભાગવત પુરાણ પર આપશ્રીનું જ્ઞાન અગાધ મહાસાગર જેવું હતું છતાં તેઓએ ક્યારેય એને વ્યવસાય અર્થે ઉપયોગ કર્યો ન હતો.  

આવા વિરલ વિભૂતિ સમાન ઋષિતુલ્ય પુ. સરકારશ્રીના નિત્યલીલા પ્રવેશ બાદ ખિન્ન અને દુ:ખી હૃદયે મારી તમામ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને સદૈન્ય વિનંતી કે પુ. સરકારશ્રીના સ્વરૂપમાં જ્ઞાનના અગાધ મહાસાગરમાં તરવાનું સૌભાગ્ય હવે આપણને પ્રાપ્ત થવાનું નથી ત્યારે આપણે સૌ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો અને ભૂતલ પર બિરાજમાન સમગ્ર વલ્લભ કુળ પરિવાર પુષ્ટિમાર્ગની તમામ મર્યાદાઓ અને પરંપરાઓ જાળવીને કદમથી કદમ મિલાવીને સાથે ચાલીએ, આપણે સૌ એકબીજાના સ્વરમાં સ્વર મિલાવીને બોલીએ તેમજ આપણા સૌ વચ્ચે માનસિક ઐક્ય સધાય. 

આવું લખવા પાછળ અને આવી વિનંતી કરવા પાછળ મારું ખૂબ જ વ્યથિત હૃદય કારણભૂત છે. 

છેલ્લા છ-સાત વર્ષોથી પુષ્ટિમાર્ગીય તૃતીય ગૃહમાં જે બની રહ્યું હતું તેનાથી પુ. સરકારશ્રી ખૂબ જ વ્યથિત રહેતા હતા. પુ. સરકારશ્રીના નિત્યલીલાગમન પછી તૃતીય ગૃહની વૈષ્ણવી સૃષ્ટિ તો ખુબ જ વ્યથિત છે જ પરંતુ સાથે સાથે તૃતીય ગૃહ સાથે સંકળાયેલ સમગ્ર પરિવાર તથા સમગ્ર વલ્લભ કુળ પરિવાર ખિન્નતા અનુભવી રહ્યા છે. 

છેલ્લા છ-સાત વર્ષોથી પુષ્ટિમાર્ગની તૃતીય પીઠમાં જે બની રહ્યું છે તેના કારણે જગદગુરુ શ્રીવલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગની ગરિમા ઉપર ઝાંખપ આવી છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે સ્વયમ્ દર્શાવેલ છે કે परस्परम् भावयन्त: श्रेय: परमवाप्स्यथ (એકબીજાના સાથ-સહકારથી સૌનું કલ્યાણ થાય છે). ભગવાન શ્રીકૃષ્ણના આ સંદેશ અંગે સમગ્ર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવી સૃષ્ટિ તથા સમગ્ર વલ્લભ કુળ પરિવારની અસમંતિ હોઈ જ ન શકે કારણ કે આપણો આ દિવ્ય સંપ્રદાય હરિ-ગુરુ-વૈષ્ણવની ત્રિવેણીથી જ પોષિત, સંવર્ધિત અને સુરક્ષિત છે. 

પુ. સરકારશ્રીના નિત્યલીલા પ્રવેશ બાદ હવે તૃતીય ગૃહની વૈષ્ણવી સૃષ્ટિને તથા તૃતીય ગૃહ સાથે સંલગ્ન સૌને આદરપૂર્વક સદૈન્ય બે હાથ જોડીને માથું ઝુકાવીને નમ્ર વિનંતી છે કે પુષ્ટિમાર્ગની દિવ્ય અને ગરિમાયુક્ત પરંપરાનો ભંગ ન થાય તેને ધ્યાનમાં રાખીને તેમજ પ્રવર્તમાન કાયદાઓ અને ભારતીય બંધારણની મર્યાદા જાળવીને આપ સૌ સાથે બેસીને સંવાદ કરીને જે પ્રશ્નો છે, જે વિવાદો છે તેનું સર્વની માન-મર્યાદા જળવાય, આદર જળવાય તે રીતે કાયમી નિરાકરણ લાવો. संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् આપણે સૌ પુષ્ટિમાર્ગની તમામ મર્યાદાઓ અને પરંપરાઓ જાળવીને કદમથી કદમ મિલાવીને સાથે ચાલીએ, આપણે સૌ એકબીજાના સ્વરમાં સ્વર મિલાવીને બોલીએ તેમજ આપણા સૌ વચ્ચે માનસિક ઐક્ય સધાય. 

બસ આટલું જ થશે તો તે દિવ્ય વિભૂતિ સમાન મહર્ષિ બ્રહ્મર્ષિ પુ. સરકારશ્રીને સાચા અર્થમાં અર્પણ કરેલી અંજલિ હશે. 

પુ. સરકારશ્રીના નિત્યલીલાગમન પ્રસંગે આપશ્રીને એમના ચરણારવિન્દમાં કોટાનકોટી દંડવત પ્રણામ તથા શ્રીદ્વારકાધીશ પ્રભુના યુગલ ચરણારવિન્દમાં કોટી કોટી દંડવત્ પ્રણામ.