ડીસાના ગ્રામીણ વિસ્તારના લોકો કમોસમી માવઠા જેવા માહોલનો અનુભવ કરી રહ્યા છે. ડીસાની આજૂબાજૂના ગ્રામીણ વિસ્તારમાં ગુરૂવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ચોતરફ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી.
ડીસા પંથકમાં અત્યારે એક તરફ બટાટા નીકાળવાની સિઝન પૂરજોસમાં ચાલી રહી છે અને ખેડૂતોએ બટાટા નીકાળીને પોતાના ખેતરોમાં ઢગલા કર્યા છે. ત્યારે વાતાવરણમાં ઘૂમ્મસ છવાતા બટાટાને નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ છે. એક તરફ ખેડૂતોને બટાટાના પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. ત્યારે બીજી તરફ બટાટામાં નુકસાન થવાની ભીતિથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. છેલ્લા છ મહિનાથી દર 10 થી 15 દિવસે વાતાવરણમાં બદલાવ થાય છે અને લોકો મિક્સ ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગુરૂવારે પણ વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ છવાતા ગ્રામીણ વિસ્તારના લોકોએ કમોસમી માવઠા જેવા માહોલનો અનુભવ કર્યો હતો. વારંવાર વાતાવરણમાં બદલાવ થતા ખેતીના પાકમાં પણ રોગ આવવાથી નુકસાન થવાની સંભાવના વધી જાય છે જેના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.
આ અંગે સ્થાનિક ખેડૂત અગ્રણી મોહનભાઈ માળી એ જણાવ્યું હતું કે, ખેતીના વ્યવસાયમાં ફાયદા કરતાં નુકસાની શક્યતાઓ વધી ગઈ છે. કારણ કે વારંવાર વાતાવરણમાં પલટો આવ્યા કરે છે અને તેના કારણે દિવસ-રાત મજૂરી કરીને તૈયાર કરેલા ખેતીના પાકમાં નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે. જેથી ખેડૂતોને પણ નુકસાન વેઠવુ પડે છે.