ડીસા શહેરમાં આજે એક રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં નગરપાલિકાની ફાયર-ફાઇટરની ટીમ બનાવ સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટના બનતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

ડીસામાં હાઇવે પર આવેલી શ્રીજી વિલા સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલી કારમાં આગ ભભુકી ઉઠી હતી. શ્રીજી વિલા સોસાયટીમાં રહેતા વિઠ્ઠલ પટેલે તેમની જેન એસ્ટીલો કાર ઘર આગળ પાર્ક કરી હતી. જેમાં ટેક્નિકલ ખામી સર્જાતા અચાનક કારમાં આગ લાગી હતી. જોત જોતામાં કારમાં આગ ભભૂકી ઉઠતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

આગ લાગી હોવાની જાણ થતા ડીસા નગરપાલિકાની ફાયર-ફાઇટરની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને કારમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આખી કાર બળીને ખાખ થઇ ગઇ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પરંતુ કાર માલિકને મોટુ નુકશાન વેઠવું પડ્યું છે.