ડીસામાં ડી.જે. સાઉન્ડ સંચાલકો અને પોલીસ અધિકારીઓની બેઠક યોજાઇ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ડીજે સાઉન્ડ સંચાલકો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં લગ્ન પ્રસંગો કે અન્ય કોઈ પ્રસંગમાં મોડી રાત સુધી ડીજે સાઉન્ડ વગાડવાના કારણે આજુબાજુમાં રહેતા અશક્ત, વૃદ્ધ અને બીમાર લોકોને ભારે યાતના ભોગવી પડે છે. તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ માઠી અસર પડે છે અને નાના બાળકો પણ શારીરિક અને માનસિક રીતે હેરાન થાય છે. ડીજે સાઉન્ડના કારણે ધ્વનિ પ્રદૂષણ પણ મોટી માત્રામાં ફેલાય છે. જેથી આમ જનતાએ તેનો ત્રાસ સહન કરવો પડે છે.

જે તમામ બાબતોને ધ્યાનને લઈ ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય તેમજ ધ્વનિ પર્યાવરણના નિયમો અનુસાર ડીજે સાઉન્ડના કારણે ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય તે માટે રાતે 10 વાગ્યા પછી ડીજે સાઉન્ડ બંધ કરી દેવામાં આવે તે અંગે ડીસા ડી.વાય.એસ.પી. ડો. કુશલ ઓઝાએ ડીજે સાઉન્ડ સંચાલકોને સમજાવ્યા હતા. ત્યારે જો હવે કોઈ ડીજે સાઉન્ડ સંચાલક નિયમોનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી.