ખંભાત તાલુકાના દહેડા વડગામ રોડ પાસે જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિય કોળી પટેલ સમાજનો ભવ્ય પ્રથમ સમૂહલગ્ન યોજાયો હતો.સમૂહ લગ્ન દરમિયાન વિધિવત રીતે ૨૫ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ઉપસ્થિત રહી નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા.આ ઉપરાંત ભારતી આશ્રમ સરખેજના મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુએ નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા.

ક્ષત્રિય કોળી પટેલ સમાજના યોજાયેલ ભવ્ય સમૂહ લગ્ન દરમિયાન જિલ્લા સાંસદ મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય-ચિરાગભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય-સંજયભાઈ પટેલ સહિતના ગામના સરપંચો, આગેવાનો મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા તેમજ દાન અર્પણ કર્યું છે.

આ અંગે લુણેજના પૂર્વ સરપંચ પ્રતાપભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, દાતાઓ, ગ્રામજનો અને સમાજના લોકોના સાથ સહકાર અને પ્રેમથી પ્રથમ સમૂહ લગ્ન સફળ નીવડ્યું છે.લગ્ન પાછળ ખોટા ખર્ચાઓ બંધ કરી સમૂહ લગ્નમાં સમાજના દીકરા-દીકરીઓ લગ્ન થાય તેવા પ્રયાસો જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો સભ્યોએ હાથ ધર્યા છે.દેખાદેખીમાં મસમોટા લગ્ન પાછળ ખર્ચાઓ કરાય તે ખર્ચ સમાજના દીકરા-દીકરીના શિક્ષણ માટે ખર્ચ થાય તેવું આયોજન હાથ ધરવામાં આવશે.સમાજની પ્રગતિ થાય તે માટે સમાજના ભેદભાવો દૂર કરી સમાજના લોકોએ એક બનવું પડશે.સમાજ એક બનશે તો સમાજની પ્રગતિ નક્કી જ છે.

(સલમાન પઠાણ-ખંભાત)