ભાભરના જાસનવાડાની સગીરા પર એક શખસએ બે વર્ષ પહેલાં દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની ફરિયાદ ભાભર પોલીસ મથકે નોંધાઇ હતી. જે અંગેનો કેસ બુધવારે દિયોદર કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 20 વર્ષની સજા, રૂ.40,000 નો દંડ તેમજ રૂપિયા બે લાખનું સરકાર તરફે ભોગ બનનાર સગીરાને વળતર આપવાનો આદેશ કરાયો હતો.

ભાભર તાલુકાના જાસનવાડા ગામની સગીરા તેણીના ઘરે સુતી હતી ત્યારે ગત 19 એપ્રિલ-2021 ના રાત્રિ દરમિયાન લેરાજી મેવાજી ઠાકોર (રહે.લુદરિયાવાસ, ભાભર ) કેફી પદાર્થ સુંગાડી સગીરાને બેભાન કરી ધમકી આપી અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

આ અંગે સગીરાના પિતાએ 21 એપ્રિલ-2021 ના રોજ ભાભર પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જે અંગેનો કેસ બુધવારે દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા પુરાવા આરોપી વિરુદ્ધ પડતા તેમજ સરકારી વકીલ ડી.વી.ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી ફરજ પરના ન્યાયાધીશ કે.એસ.હિરપરા દ્વારા આરોપી લેરાજી મેવાજી ઠાકોરને વિવિધ ગુનાની કલમો અનુસાર 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.40,000 નો દંડ ફટકાર્યો હતો.

તેમજ રૂપિયા બે લાખનું સરકાર તરફે ભોગ બનનાર સગીરાને વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.દુષ્કર્મનો આરોપી લેરાજી મેવાજી ઠાકોર અગાઉ ભોગ બનનાર સગીરાની નાની બહેનને ભગાડી ગયો હતો. ત્યારબાદ સમાજના આગેવાનો સાથે મળી સમાધાન થયું હતું.

ભોગ બનનાર સગીરાના ખેતરની બાજુમાં આરોપી લેરાજી મેવાજી ઠાકોરની બહેન બાજુના ખેતરમાં રહેતા પરિવારમાં પરણાવેલી હતી. ત્યારે અવારનવાર બહેનના ઘરે આવતો હોઇ બાજુમાં રહેતા હોવાથી સગીરાનાસાથે પરિચયમાં આવ્યો હતો.