અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ફરજની સાથે વનવાસી વિસ્તારમાં અનેરું સેવાનું કાર્ય કરતી બનાસકાંઠા જિલ્લા નગરપાલિકા ટીમ
નગરપાલિકાની ટીમો દ્વારા આદિજાતિ અંતરિયાળ વિસ્તારની ૬ પ્રાથમિક શાળાના ૮૫૦ જેટલાં બાળકોને ચંપલનું વિતરણ કરાયું
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ મા અંબાના ધામ અંબાજી ખાતે તા. ૧૨ મી ફેબ્રુઆરીથી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઇ રહ્યો છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી ખૂબ મોટી સંખ્યામાં માઈભક્તો ઉલ્લાસભેર પરિક્રમા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. પરિક્રમા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લાની નગરપાલિકાઓના ચીફ ઓફીસરશ્રીઓ અને સ્ટાફ પણ ફરજ બજાવી રહ્યો છે. ફરજની સાથે સાથે તેઓ માનવ સેવાનું પણ ઉમદા કાર્ય કરી રહ્યા છે.
અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર ખાતે ઉજવાઇ રહ્યો છે. જેમાં ગબ્બર રોડ થી વિરમપુર વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં વસતા ગરીબ આદિજાતિના બાળકો રસ્તા પર અવર -જવર દરમિયાન જોવા મળ્યાં હતા. જેમાં મોટાભાગના બાળકોના પગમાં ચંપલ હતા નહીં. જ્યારે બાળકો ચંપલ કેમ પહેરતા નથી એવું પૃચ્છા કરતાં ધ્યાનમાં આવ્યું કે, બાળકો ના વાલીની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે બાળકોની પ્રાથમિક જરૂરિયાત જેવી કે ચંપલ,નોટબુક પેન, શિયાળાની ઋતુમાં સ્વેટર ન હોવાના કારણે બાળકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ વિષય ધ્યાનમાં આવતા નગરપાલિકાના ચીફ ઓફીસર અને સ્ટાફ દ્વારા બાળકોને ચંપલ જરૂરિયાત મુજબના કુલ-૬ શાળામાં આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર અને ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી રૂડાભાઈ રબારી, ડીસા અને ભાભર નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી એસ.એમ.અન્સારી, થરા નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી વિપુલભાઈ પરમાર , થરાદ નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી પાંચાભાઈ માળી તથા ધાનેરા નગરપાલિકાના પાણી પુરવઠા સુપરવાઇઝર રામભાઇ સોલંકી, થરા નગરપાલિકાના ઓડિટરશ્રી હિતેશભાઈ મોચી દ્વારા સુંદર આયોજન કરી વિરમપુર રોડ પર આવેલ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ શાળા વિરમવેરી પ્રાથમિક શાળા, ભાયલા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા, પાડલિયા પ્રાથમિક શાળા, કેંગોરા પ્રાથમિક શાળા, જોડફળી (ના) પ્રા.શાળા, બેડા પાણી પ્રા.શાળામાં અંદાજીત ૮૫૦ બાળકો ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું . સાથે જ જે તે શાળામાં બાળકોને અભ્યાસ માટે અતિ આવશ્યક વસ્તુઓની જરૂરિયાત માટે પણ આ ટીમ કાર્યરત રહેશે. અન્ય સેવાભાવી સંસ્થાઓને પણ જોડી આવા અંતરિયાળ વિસ્તારોમાં બાળકોને અભ્યાસ માટે જરૂરી વસ્તુઓ પુરી પાડવા કામે લગાડવા માટેનો પ્રયત્ન પણ કરવામાં આવશે. શાળાનો સ્ટાફ બાળકો અને વાલીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રકારે અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ આવા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપે તેવી પણ લાગણી શાળાના સ્ટાફ અને વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.