આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અઢી વર્ષ પહેલા સોજિત્રાના દેવા તળપદ ગામે દરોડો પાડી ગાંજાના છોડવા સાથે શખસને પકડી પાડ્યો હતો. આ કેસમાં કોર્ટે ત્રણ વર્ષની કેદ અને દંડની સજા ફટકારી હતી.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે જૂન,2020માં બાતમી આધારે સોજિત્રાના દેવા તળપદ ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં લક્ષ્મીપુરા સીમમાં આવેલા ખેતરમાં મરચી - રીંગણના વાવેતર વાળા ખેતરમાં વગર પાસ પરમીટના ગાંજાના 17 છોડ મળી આવ્યાં હતાં. જેનું વજન કરતાં તે 9.179 કિલોગ્રામ થયું હતું. આથી, પોલીસે કુલ 91,790નો મુદ્દામાલ કબજે કરી ચંદુ ઉર્ફે ભગત કાભઇ ગોહેલ (ઉ.વ.60, રહે. દેવા તળપદ, સોજિત્રા) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ અંગે જરૂરી કાર્યવાહી બાદ કોર્ટમાં ચાર્જશીટ મુકી હતી. જે કેસ આણંદ જિલ્લાના સ્પેશ્યલ (એનડીપીએસ) જજની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ એન.પી. મહિડાની દલીલ, 31 દસ્તાવેજી પુરાવા, 10 સાહેદોની જુબાની બાદ કોર્ટે ચંદુ ગોહેલને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ. અઢી હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા પણ ફરમાવી હતી.