પેટલાદ તાલુકાના ચાંગા ખાતેથી બોગસ માર્કશીટ બનાવી વિદેશ મોકલવાનો રેકેટ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો છે.જેમાં ખંભાત તાલુકાના રાલેજ ખાતે રહેતા અને ભાજપના કાર્યકર મયુર ગોહેલની સંડોવણી સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી ૧૭મી સુધી રિમાન્ડ પર છે.જેની સઘન હાથે પૂછપરછ હાથ ધરાશે.
મળતી માહિતી મુજબ, મયુર ગોહેલ ચાંગાના રોનક પટેલને કામ સોંપ્યું હતું.અને મયુરને આ માર્કશીટ બોગસ હોવાનું જાણ હોવા છતાંય બનાવડાવી હતી.મુખ્ય આરોપીઓના રિમાન્ડ દરમિયાન ખુલતી માહિતી અને ધરપકડથી અન્ય વિઝા કન્સલ્ટન્ટમાં ફફડાટ વ્યાપ્યો છે.નિર્દોષ નાગરિકો અને ગેરકાયદેસર રિતોના ઉપયોગ થકી યેનકેન પ્રકારે વિદેશ જવા ઇચ્છતા નાગરિકોને મોટી રકમ લઈ લૂંટતા તત્વો હવે અંકુશ હેઠળ આવ્યા હોવાનું મનાઇ રહ્યું છે.
નોંધનીય છે કે, બોગસ માર્કશીટકાંડમાં પકડાયેલ રાલેજનો યુવક મયુર ગોહેલ ખંભાતના ગોપાલ સિનેમા કોમ્પ્લેક્ષમાં ક્રિષ્ના ઇન્ટરનેશનલના નામે ઓફીસ ધરાવે છે.પકડાયેલ યુવક ભાજપા યુવા મોરચાના જિલ્લા કારોબારી સભ્ય હોઈ ગેરકાયદે ગુનાહિત પ્રવૃતિમાં ઝડપાતા પંથકનું રાજકારણ પણ ગરમાયુ છે.જો કે પોલીસે તેની ધરપકડ કરી હાલ જેલ હવાલે કર્યો છે.