ડીસા નજીક ભીલડી રેલવે બ્રિજ પર 15 દિવસ અગાઉ ભંગાણ સર્જાયું હતું. રેલવે બ્રિજ નીચે પ્લેટો ખસી જતા રેતી ધસી ગઈ હતી અને બ્રિજ પર ભંગાણ સર્જાયું હતું. ઘટનાને પગલે નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી હતી અને હાઇવે પરના વાહન વ્યવહારને ડાયવર્ઝન આપી એક તરફનો માર્ગ ચાલુ રખાયો હતો. આ ઘટનાને 15 દિવસ થયા છે અને 15 દિવસમાં ત્રણ અકસ્માતો સર્જાયા છે. જેમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એક પોલીસ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. ડાયવર્ઝનના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હજું સુધી રીપેરીંગ કામની શરૂઆત પણ કરવામાં આવી નથી. ત્યારે ત્વરિત ધોરણે આ કામગીરી પૂર્ણ થાય અને અકસ્માત થતા અટકે તેવી વાહન ચાલકોની માગ છે.
બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશોએ પણ જણાવ્યું હતું કે, બ્રિજ પર જે રીતે ભંગાણ સર્જાયું છે. તે કામગીરી સ્પેશિયલ એજન્સી દ્વારા જ થઈ શકે તેમ છે અને તેના માટે એજન્સી જોડે વાતચીત પણ ચાલુ છે. નીચેની પ્લેટો ખસી ગઈ હોવાના કારણે આ આખો બ્રિજ ખોલ્યા બાદ જ રીપેર થશે. એટલે તેના માટે હજુ પણ થોડો સમય લાગી શકે તેમ છે. વધુમાં માહિતી આપી હતી કે, તેઓ અકસ્માત ન થાય તે માટે પણ અને જલ્દી કામગીરી પૂર્ણ થાય તે માટે પણ પ્રયાસો કરી રહ્યા છે.