અંબાજી ગબ્બર આસપાસ વૃક્ષારોપણ કરી હરિયાળું બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

અંબાજીમાં વનવિભાગના વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી અધિકારીઓને 'ગ્રીન પ્રોજેક્ટ' તૈયાર કરવા અધ્યક્ષશ્રીનું સૂચન

    ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના દ્વિતિય દિવસે પરિક્રમા કરી હતી. પરિક્રમા પૂર્ણ કર્યા બાદ તેઓએ વન વિભાગ દ્વારા ગબ્બરની આસપાસ કરવામાં આવેલ વૃક્ષારોપણ તેમજ વનકવચ અંતર્ગત તૈયાર થઈ રહેલ મિયાવાકી ગાર્ડનની મુલાકાત લીધી હતી.

    આગામી સમયમાં અંબાજી અને તેનો આસપાસનો વિસ્તાર હરિયાળો બને તથા ગબ્બરની આજુબાજુ માં અંબાની હરિયાળી ચુંદડી જેવો વન વિસ્તાર તૈયાર થાય એ માટે વિશેષ પ્રોજેક્ટ તૈયાર કરવાનું મહત્વપૂર્ણ સૂચન અધિકારીઓને કર્યું હતું. વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને 'ગ્રીન કવર'માં વધારો થાય એ સાંપ્રત સમયની માંગ છે. સરકારી વિભાગો, સહકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ લોક ભાગીદારીથી આ કાર્યની પહેલ કરે તેવી અપીલ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ કરી હતી.

    અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ વન વિભાગના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરીને થઈ રહેલ ઉમદા કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપનીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષકશ્રી પી.જે.ચૌધરી તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.