પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અસભ્ય વર્તન તેમજ પગાર કાપની ધમકી આપતા શિક્ષણ અલમ માં રોષ
તાલુકાના બંને શિક્ષક સંઘોએ તાલુકા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજૂઆત
પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સભ્ય વર્તન તેમજ શિક્ષકોને વારંવાર પગાર કાપની ધમકી આપતા શિક્ષણ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ શૈક્ષિક મહાસંઘ દ્વારા પાવીજેતપુર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆતો કરી ન્યાયની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના શિક્ષણ શાખામાં હાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બારીયા દિનેશભાઈ મોહનભાઈ વહીવટી ચાર્જ સંભાળી રહ્યા છે તેઓ પોતે નિયામકનો અધિકારી છે તેમ કહીને શિક્ષકોને સીધા કરવાની પગાર કાપવાની ધમકીઓ આપે છે. પોતે અધિકારી છે તેમ કહી બધા શિક્ષકોને ઊભા રાખી સલામ ભરાવે છે. પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા તાલીમ વર્ગમાં શિક્ષકોની તાલીમ ચાલતી હતી તે સમયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ત્યાં ગયા હતા ત્યારે શિક્ષકો તાલીમમાં વ્યસ્ત હોય અને તાલીમ ચાલુ હોય તો ઉભા થઈ શક્યા ન હતા જેથી અડધો કલાક સુધી શિક્ષકોને ઊભા રાખી સીધા કરવાની ધમકી આપી સાથે પોતે બનાવેલી શિસ્તની પ્રતિજ્ઞા લેવડાવી હતી. બીઆરસી ભવન પાવીજેતપુર તેમજ કલારાણી ગૃપ પ્રાથમિક શાળામાં ચાલતી તાલીમોના વર્ગમાં જઈ દરેક જગ્યાએ અયોગ્યવર્તન તેમજ વાણીવિલાસ કરી શિક્ષકોના માન સન્માનને ઠેસ પહોચાડે તેવું વર્તન કરેલ છે. તારીખ:૧૩-૦૨-૨૦૨૩ ના રોજ ટિપીઓ દિનેશભાઈ ભીખાપુરા ચોકડી મુકામે ૧૦ વાગ્યેથી ઉભા રહી શાળાએ સમયસર જતા શિક્ષકોને રસ્તા વચ્ચે રોકીને ધમકીઓ આપેલ છે કે તમારી શાળામાં મુલાકત કરીશ અને પગાર કાપી નાખીશ. એવી ધમકીઓ આપે છે.
વધુમાં તેઓને પોતાની શાળાના શિક્ષણની જવાબદારી છે જ સાથે સાથે તેમણે ટીપીઓ તરીકેની વહીવટી જવાબદારી નિભાવવાની હોય છે ખરેખર જે ચાર્જ મુજબની કામગીરી કરવાની હોય છે તે ભૂલીને આખો દિવસ શાળામાં જ ફર્યા કરવું રોપ જમાવવો જેવા કાર્ય થઈ રહેલ છે. જેથી ઓફિસમાં જરૂરી વહીવટી કામગીરી હાલ ખોરંભે પડેલ છે. હાલ સેવાપોથી ઓનલાઇનની કામગીરી કરવાની, સેવાપોથી અપડેટ કરવી, જરૂરી રજાઓના હુકમો કરવા, બાકી રહેલ એરિયર્સ ના બિલોની ચુકવણી કરવી, હાલ શિક્ષણ શાખા બે ઓફિસમાં ચાલે છે તો જૂની ઓફિસમાંથી સેવાપોથી થી માંડી અન્ય દફતર નવી ઓફિસમાં શિફ્ટ કરવું વગેરે કામગીરી હોય છતાં શાળાઓમાં જ ચકકરો લગાવી શિક્ષકો સાથે અસભ્ય વર્તન કરી ધમકીઓ આપતા શિક્ષણ આલમ માં ટીપીઓ વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ તાલુકા પ્રાથમિક ના બંને સંઘોએ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.