કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ અંબાજી ખાતે બે દિવસીય "શ્રી અંબાજી ઉત્સવ" યોજાયો

લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકડાયરમાં માઇભક્તોને ડોલાવ્યા, તો ગાયિકા સાત્વની ત્રિવેદીએ રાસની રમઝટ બોલાવી

કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત તા. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ ગબ્બર તળેટી ખાતે બે દીવસીય "શ્રી અંબાજી ઉત્સવ" હેઠળ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાસ ગરબા, પ્રાર્થના, સંતવાણી, ભરત નાટ્યમ અને દુર્ગા સ્તુતિ સહિતના ધાર્મિક મનોરંજક કાર્યક્રમોએ માઇભક્તોનું મન મોહી લીધું હતું.

જેમાં નાદબ્રહ્મ ક્લાસિકલ મ્યુઝીક એકેડેમી દ્વારા ભરતનાટ્યમ, પ્રાર્થના, અને દુર્ગા સ્તુતિની અદ્ભૂત પ્રસ્તુતિ કરવામાં આવી હતી હતી. જ્યારે નૃત્ય ડાન્સ સ્ટુડિયોના કલાકારો દ્વારા લોક નૃત્ય અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જ્યારે કાશી બા મ્યુઝિક એકેડમીના કલાકારોએ શાસ્ત્રીય અને ભક્તિસંગીતની અદ્દભૂત પ્રસ્તુતિ કરી ઉપસ્થિતઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તા. ૧૨ મી ફેબ્રુઆરીએ ગુજરાતના વિખ્યાત ગાયિકા સાત્વની ત્રિવેદીએ રાસની રમઝટ બોલાવતાં માઇ ભક્તોને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. જ્યારે ૧૩ મી ફેબ્રુઆરી એ લોકગાયક કીર્તિદાન ગઢવીએ ઉપસ્થિત સૌ કોઈને લોક ડાયરાની રમઝટથી ડોલાવ્યા હતા.

 જ્યારે સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા ગરબે ઘૂમે કલાકૃતિની પ્રસ્તુતિ કરાઈ હતી. તો સુર મંદિર કલાવૃંદ દ્વારા સંતવાણી સાહિત્ય અને માં આરાધના જેવી ભક્તિસભર કલાકૃતિઓની રજુઆત કરાઈ હતી જેને નિહાળી માઇભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા.