જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય, મોટાસડાના વિદ્યાર્થી ભાઈ બહેનો શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સેવાયજ્ઞમાં સહભાગી બન્યા

શાળાના NSS વિભાગના ૫૦ સ્વંયમ સેવકો પાંચ દિવસ સુધી પાણી નાસ્તો આરોગ્ય અને સ્વચ્છતામાં સેવારત રહેશે

            

યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં યાત્રાળુઓની સુવિધાઓની સાથે યાત્રાધામની પવિત્રતા અને સ્વચ્છતા જળવાય એ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથ પર સ્વયંમ સેવક ભાઈ બહેનોની સાથે શાળાના બાળકો પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સેવારત બન્યા છે.

     જે અંતર્ગત જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય , મોટાસડા તા.દાંતા જિ. બનાસકાંઠા NSS ના ૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈબહેનો અંબાજીમાં ચાલી રહેલા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સેવારત બન્યા છે. શાળાના NSS વિભાગના સ્વંયમ સેવક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા પરિક્રમા પથ પર યાત્રિકોને પાણી, નાસ્તો, મેડિકલ સારવાર, વયોવૃદ્ધ યાત્રાળુઓની વિશેષ કાળજી લેવાની સાથે રસ્તામાં પડેલો કચરો વીણી લેવો, પ્લાસ્ટિકની બોટલોનો યોગ્ય નિકાલ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પંચ દિવસીય મહોત્સવમાં સેવારત બની યોગદાન આપવામાં આવી રહ્યું છે. 

       શાળાની વિદ્યાર્થીની ઝીનલ બા ગેહલોતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સેવાકીય પ્રવૃત્તિઓ થકી ૫૧ આદ્યશક્તિઓની સેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હોવાનું જણાવી ખુશી વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું કે, અમે પરિક્રમા માર્ગ પર સ્વચ્છતા જળવાય એનું ખાસ ધ્યાન રાખી સફાઈ કરીએ છીએ, અને યાત્રાળુઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરીએ છીએ. અમે લોકોની પાણી નાસ્તો મેડિકલ સારવાર સહિતની જરૂરિયાત પૂરી પાડીએ છીએ. વધુમાં તેણે સેવા પ્રવૃત્તિઓની સાથે વિદ્યાર્થીઓ ગરબે રમવાનો આનંદ માણી રહ્યા હોવાની ખુશી વ્યક્ત કરી હતી.

      શાળાના શિક્ષિકાબેનશ્રી હેતલ બેન ડી.રાવલે જણાવ્યું કે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી પરિક્રમા મહોત્સવના સેવાયજ્ઞમાં સેવારત બન્યા છે. અમારી શાળાને માં અંબાના અવસરમાં સેવા કરવાની તક મળી એ બદલ ધન્યતા અનુભવી હતી. શાળાના NSS પ્રોગ્રામ ઓફિસરશ્રી પંકજભાઈના માર્ગદર્શન હેઠળ 50 સ્વયંસેવકો પાંચ દિવસ સુધી સેવાયજ્ઞમાં સેવારત રહેવાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.