બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં' ૨૦૦૦ જેટલા યાત્રાળુઓને આરોગ્યલક્ષી સારવાર અપાઈ

પાણી સપ્લાયના દરેક સ્થળે ૫ સભ્યોની ટીમ દ્વારા સઘન ચકાસણી અને કલોરીનેશનની કામગીરી

           

યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં યાત્રાળુઓની આરોગ્યલક્ષી સુવિધાઓ સચવાય અને તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત બે દિવસમાં ૨૦૦૦ જેટલા યાત્રિકોની આરોગ્ય સંબંધી નાની મોટી તકલીફોનું તાત્કાલિક નિરાકરણ લાવી તેમને ઉત્તમ પ્રકારની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ પંચ દિવસીય મહોત્સવ માટે વિશેષ ટિમો બનાવી આરોગ્ય નિદાન અને ચકાસણીની મહત્વની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરવામાં આવી રહી છે. શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આરોગ્ય વિભાગના ૨૦૦ કરતા વધુ કર્મચારીઓ સેવારત બન્યા છે.

            શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આરોગ્ય વિભાગ દ્વારા યાત્રિકોની આરોગ્યલક્ષી સેવા અને સુવિધા માટે એક ડોકટર, બે પેરામેડિકલ સ્ટાફ એમ 3 કર્મચારીઓની ૧ ટિમ એવી ૨૪ ટીમો દ્વારા સતત ૨૪ કલાક માટે સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલ ઋતુને ધ્યાનમાં રાખી પાણીજન્ય બીમારીને અટકાવવા માટે પરિક્રમા મહોત્સવના દરેક સ્થળે પાણીમાં કલોરીનેશન કરવામાં આવી રહ્યું છે. તો કલોરીનેશનની ચકાસણી માટે પાણી સપ્લાયના દરેક સ્થળે ૫ સભ્યોની ટીમ દ્વારા સઘન ચકાસણી કરી યાત્રિકો માટે પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જયેશ પટેલ અને ડિસ્ટ્રિક્ટ સર્વેલન્સ ઓફિસર ડો. જીજ્ઞેશ ભાઈ હરીયાણી દ્વારા જણાવ્યું હતું.