શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ કરી 51 શક્તિપીઠની પરિક્રમા
માઇભક્તો સાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરતા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માં જગદંબા પ્રત્યેના ભાવ અને ભક્તિથી ૫૧ શક્તિપીઠનું ભવ્ય નિર્માણ થયું છે: વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને થરાદ મત વિસ્તારના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી ભક્તિભાવથી સહભાગી બન્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાતભરમાંથી માં જગદંબાના પરિક્રમા મહોત્સવમાં પધારેલા માઇભક્તોનું હૃદયના ઉમળકાથી ભવ્ય સ્વાગત કરી યાત્રાળુઓને આવકાર્યા હતા. શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતથી યાત્રાળુઓમાં નવા જોમ અને જુસ્સો પ્રસર્યો હતો અને માઇભક્તો જય અંબેના જયઘોષ કરતાં પરિક્રમા પથ પર આગળ વધ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ માં અંબાની સેવા પૂજાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ દીપ પ્રજ્વલિત કરી ધજા ફરકાવી જય અંબેના નાદ સાથે માતાજીની ચરણ પાદુકા માથે ચડાવી માઇભક્તો સાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમામાં જોડાયા હતા.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શક્તિના ઉપાસક અને પરમ શ્રધ્ધાળુ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આદ્યશક્તિ માં જગદંબા પ્રત્યેના ભાવ અને અનુભૂતિથી યાત્રાધામ અંબાજી ખાતે એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠનું ભવ્ય નિર્માણ થયું છે. જેથી માં જગતજનની અંબામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લાખો શ્રદ્ધાળુઓને તમામ ૫૧ શક્તિપીઠના દર્શનની ધન્યતા અનુભવવા મળી છે. દેશના લાખો શ્રદ્ધાળુઓની આધ્યાત્મિક આસ્થાને પરિપૂર્ણ કરવાનું ભગીરથ કાર્ય કરવા બદલ સૌ માઇભક્તો વતી શંકરભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો.
અંબાજી યાત્રાધામનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી અંબાજી મંદિરને રેલવે, એક્સપ્રેસ હાઇવે, રોજગારીની તકો અને આત્મનિર્ભરતાની નવીન દિશાઓ થકી અંબાજી યાત્રાધામની કાયાપલટ કરી "અંબાજી ધામ- માં જગદંબાનું કામ" સંકલ્પ હેઠળ શક્તિપીઠ- યાત્રાધામ અંબાજીને આધ્યાત્મિક અને પર્યટનના સમન્વયનું કેન્દ્ર બને એવું ભવ્ય આયોજન કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવી રહ્યું છે. પરિક્રમા મહોત્સવ દરમિયાન પ્રકૃતિના સાંનિધ્યમાં અને અરવલ્લીની ડુંગરમાળામાં વસેલ પવિત્ર યાત્રાધામ અંબાજીની પવિત્રતા જાળવવા અને પર્યાવરણનું જતન કરવા યાત્રાળુઓને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ અપીલ કરી હતી.
51 શક્તિપીઠ ની પરિક્રમા કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં પરિક્રમા મહોત્સવ દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા મેળવી કરી હતી. જે પણ ભક્તો માં અંબાની પરિક્રમા મહોત્સવમાં સહભાગી બનવાના છે તે ભક્તો માટે કયા પ્રકારની વ્યવસ્થા થઈ છે તેની તમામ માહિતી અધ્યક્ષશ્રીએ મેળવી હતી. અંબાજી શક્તિપીઠના વિકાસલક્ષી કામોનું જીલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા PPT પ્રેઝન્ટેશન કરી મંદિરના વિકાસલક્ષી કામની વિગતો થી વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીને અવગત કરાયા હતા. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સફળ આયોજન બદલ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી.
શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ પ્રસંગે મગર વાડા તીર્થના યતિ શ્રીવિજય સોમજી મહારાજ, આનંદ ધામના મહંતશ્રી રાજેન્દ્ર આનંદ સ્વામી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, ધાનેરાના ધારાસભ્યશ્રી માવજી ભાઈ દેસાઇ, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, સંગઠનના જિલ્લા પ્રભારીશ્રી, નંદાજી ઠાકોર, ભાદરવી પૂનમિયા સંઘના પ્રમુખશ્રી યોગેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં માઇભક્તો સહભાગી બન્યા હતા.