રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૨ ફેબ્રુઆરીના યોજાનાર પરીક્ષાને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરના વિસ્તારની તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા હુકમ

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૧૨/૦૨/૨૦૨૩ને રવિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં ૫૫ સ્થળો પર પરીક્ષા લેવાનાર હોઇ, પરીક્ષા બિલ્ડીંગની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તમામ ઝેરોક્ષ દુકાનો બંધ રહે તેમજ માણસોના ટોળાં એકઠા ન થાય તે માટે જાહેરનામું ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.  

           આ પરીક્ષાનું સંચાલન સરળતાથી, શાંત અને સ્વચ્છ વાતાવરણમાં યોજાય તેમજ વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય, અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કરે અને પરીક્ષાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે ૫૫ કેન્દ્રોની અંદર તથા તેની હદ મર્યાદાથી બહારના ૧૦૦ મીટરની ત્રિજ્યા વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ મૂકવાનું પરીક્ષાના સંચાલન માટે વ્યાજબી અને આવશ્યક જણાતાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, બનાસકાંઠા, પાલનપુર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ આ પરીક્ષા કેન્દ્રો ઉપર તા. ૧૨/૦૨/૨૦૨૩ ના રોજ પરીક્ષાના સમયગાળા દરમ્યાન પરીક્ષા કેન્દ્રોના સ્થળના હદ મર્યાદાથી બહાર ૧૦૦ મીટરના ત્રિજ્યા વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ–૧૯૭૩ કલમ-૧૪૪ અન્વયે નીચે દર્શાવેલ નિર્દેશોનું પાલન કરવા ફરમાવ્યું છે. 

           જે અંતર્ગત પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન અધિકૃત માણસોએ પરીક્ષા કેન્દ્રોની અંદર તથા પરીક્ષા કેન્દ્રોની હદ મર્યાદાથી બહારના ૧૦૦ મીટરની ત્રિજયા વિસ્તારમાં દાખલ થવું નહી. પરીક્ષા સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં આજુબાજુની તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાની રહેશે.  

          આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તથા કેંદ્ર સંચાલકશ્રી, તકેદારી અધિકારીશ્રી તરીકે નિમણુંક પામેલ અધિકારીશ્રી, ઓબ્ઝર્વરશ્રી સહિતના તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.