સામજિક જીવનમાં લગ્નની ખુશી દરેક મનુષ્ય અને ઘર પરિવાર માટે મહત્વનો પ્રસંગ હોય છે. લગ્નનો માહોલ ઘરમાં અનેરી ખુશી લઈ આવતો હોય છે. અને દરેક પરિવાર પોતાની શક્તિ પ્રમાણે કોઈ કચાસ ન રહે એ રીતે ખર્ચ કરતો હોય છે. માલેતુજાર પરિવારો લગ્ન જેવા પ્રસંગોમાં લખલૂટ ખર્ચ કરી તેને યાદગાર બનાવતા હોય છે. જ્યારે ડીસા તાલુકાના વાસણા નવા ગોળીયા ગામના મુકેશ માળી જેવા યુવાન પોતાના લગ્નને સાદાઈ અને પરંપરાગત લગ્ન પ્રસંગ કરતાં કંઈક અલગ કરી અન્યો માટે પ્રેરણા બનતા હોય છે.
કોઈપણ ઘરમાં લગ્નનો પ્રસંગ આવે ત્યારે સૌથી પહેલાં કંકોત્રી આકર્ષક અને ગમી જાય એવી પસંદ કરવા સૌ કોઈ પોતપોતાનું મંતવ્ય રજૂ કરતા હોય છે. કંકોત્રી ગમે એટલી મોંઘી હોય કે આકર્ષક હોય છેવટે તો એમાં ભોજન સમારંભનો સમય જાણી ક્યાંક મૂકી દેવાતી હોય છે. જ્યારે પ્રસંગ પત્ત્યા પછી કંકોતરીનું કોઈ મહત્વ રહેતું નથી. ત્યારે કંકોતરીનો સદઉપયોગ થાય અને પરિણયમાં પ્રકૃતિના જતનના સંદેશ થકી લગ્નને યાદગાર બનાવવાની અનોખી પહેલ મુકેશ માળી નામના યુવાને કરી છે.
ડીસા તાલુકાના વાસણા નવા ગોળીયા ગામના મુકેશભાઈ બાબુજી માળી એ પોતાના લગ્નમાં ફટાકડા, પાર્ટી, વરઘોડા સહિતના બિનજરૂરી ખર્ચ બંદ કરી એક કદમ જીવદયા અને પ્રકૃતિના જતન તરફની પહેલ કરી લગ્નની કંકોતરીને પક્ષીઘરમાં પરિવર્તિત કરી છે. જેના લીધે જે પણ સ્વજનો અને સગા સંબંધીઓને આ કંકોત્રી આપવામાં આવી છે એ પોતાના ઘરે, આંગણામાં, અગાસીમાં આ પક્ષીઘર રૂપી કંકોત્રી મૂકી પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન ઉભું કરી શકે છે. જેમાં ચકલી સહિતના ઘર આંગણાના પક્ષીઓ માળો બનાવી રહી શકે છે, બચ્ચાંઓનો ઉછેર કરી શકે છે. આ પક્ષીઘરમાં પક્ષીઓની અવર જવરથી ઘરમાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે અને એક અનેરી ખુશી અને પ્રસન્નતાનો અનુભવ થાય છે. જેથી લોકો માટે આ કંકોત્રી એક કાયમી અને યાદગાર સંભારણું બની રહે છે.આગામી સમયમાં ઉનાળો આવી રહ્યો છે ત્યારે આ કંકોત્રી અબોલ પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે. વધુમાં મુકેશભાઈ માળી એ લગ્નમાં ફટાકડા ફોડવાના અવાજ અને ધુમાડાથી થતું વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ અટકાવી પર્યાવરણનું જતન અને વૃક્ષારોપણનો સંદેશ પ્રસરે એ માટે લગ્નમાં આવતા દરેક સ્નેહીજનો, સગા સંબંધીઓ અને આમંત્રિત મહેમાનોને વૃક્ષના રોપાઓ ભેટ સ્વરૂપે આપવાનું નક્કી કર્યું છે. આપણી ખુશીઓ માટે અબોલ જીવો કે પર્યાવરણને નુકશાન પહોંચાડવાનો આપણને કોઈ અધિકાર નથી એવી ઉદાત્ત ભાવનાથી પોતાના જ લગ્નમાં આ સંકલ્પ કરી આજના યુવાનોને અનોખી દિશા ચીંધી છે.
બોક્સ
*સગાઓએ પક્ષીઘરમાં ચકલી બેઠી હોય એવા ફોટાઓ મોકલ્યા આ જોઈ અત્યંત ખુશી થઈ*
મુકેશભાઈ બાબુજી માળી એ જણાવ્યું કે , આ વિચાર મેં એટલા માટે કર્યો કે લગ્નમાં ખોટા ખર્ચા ખૂબ થાય છે. લગ્નની ઉજવણીના ઉન્માદમાં આપણે પર્યાવરણ અને અબોલ જીવોને નુકશાન કરતા હોઈએ છીએ, ત્યારે આ શરૂઆત હું મારાથી જ કરવા માંગતો હતો. આપણે કોઈ બીજાને સમજાવીએ કે લગ્નમાં કોઈ ખોટા ખર્ચા ન કરતો તો કોઈ માનવાનું નથી.એ એમ જ કહેશે ભાઈ પરણવાનું એક જ વાર છે, 'તું તારા લગ્નમાં જે કરવું હોય એ કરજે' એટલે આ સંકલ્પ મેં જાતે કર્યો. મને ખૂબ ખુશી છે. મારા સગાઓ અને મિત્રોએ મારી આ ભાવનાને બિરદાવી છે અને કેટલાક સગાઓએ તો પક્ષીઘર મૂકી પણ દીધા અને એમાં ચકલી જેવા પક્ષીઓ આવ્યા હોવાના ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા આ જોઈ મને અત્યંત ખુશી મળી છે.
બોક્સ
*કંકોતરીની ખાસિયત*
આ કંકોત્રી સામાન્ય કંકોત્રીથી સાવ અલગ છે. કાગળના પૂંઠા સ્વરૂપની આ કંકોત્રી ફોલ્ડિંગ સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં સામાન્ય કંકોતરી જેમ જ લગ્નના તમામ શુભ પ્રસંગો અને વિગતો આવરી લેવાઈ છે. પણ આ કંકોત્રીને પક્ષીઘરમાં પરિવર્તિત કરી શકાતી હોઈ સ્વજનો માટે એક અનોખી યાદગારી બની રહી છે. આ કંકોત્રી બનાવવા પાછળ એક કંકોત્રીએ લગભગ ૧૦૦ રૂપિયા જેટલો ખર્ચ થયો છે...