વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર શક્તિપીઠ ખાતે આગામી 12થી 16 ફેબ્રુઆરી પાંચ દિવસીય ગબ્બર શક્તિપીઠ પરિકમા મહોત્સવ ઉજવવામાં આવશે. આ ધાર્મિક ઉત્સવમાં દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે. ગીરનારની લીલી પરિક્રમાની જેમ યોજાનાર ગબ્બર તળેટી 51 શક્તિ પીઠ પરિક્રમા પણ માઈભક્તો માટે ભારે શ્રદ્ધાનો વિષય બની રહેશે.
પરિક્રમા મહોત્સવ દરમિયાન યાત્રાધામ અંબાજી સહીત ગબ્બર તળેટી અને અરવલ્લીનીગીરી શૃંખલામાં શક્તિના નિનાદથી ગુંજી ઉઠશે. પાંચ દિવસીય ઓચ્છવમાં માતાજીની શોભાયાત્રા, મહા શક્તિ યાગ, આનંદ ગરબાની અખંડ ધૂન, ચામર યાત્રા, પાદુકા યાત્રા, ભજન સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
આ મહોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુઓની સુખ, સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા આગવું આયોજન અને તૈયારીઓ શરૂ કરવામાં આવી.