અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે કેપ્સિકમ માર્ચનું વાવેતર કરનાર ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કેપ્સિકમ મરચામાં આવેલા વાયરસે મરચાના ઉત્પાદન ઉપર અસર કરતા ખેડૂતોને માત્ર 35 ટકા જ ઉતારો આવતા વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઉભી થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે સમગ્ર જિલ્લામાં 400 વીઘા જમીનમાં ખેડૂતોએ બાગાયતી પાક કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક ઉગીને તૈયાર થઇ ગયો છે તેવામાં પાકમાં વાયરસ આવતા પાકના ઉત્પાદન ઉપર અસર થઇ છે વાયરસના કારણે પાકના પણ સુકાઈ જવા ઉપરાંત મુરજાઈ જતા મરચાની સાઈઝ પણ મોટી થતી નથી અને સુકાઈ જાય છે જેથી ખેડૂતો પરેશાન છે.

                            અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ચાલુ સાલે અન્ય પાકોના બદલે બાગાયતી પાકનું વાવેતર કરી સારા ઉત્પાદનની આશા રાખી હતી પરંતુ સતત વાતાવરણને પગલે પાકમાં આવેલા વાયરસે ખેડૂતોને રોવડાવ્યા હોવાનું પરેશભાઈ ખેડૂતે જણાવ્યું હતું. જિલ્લામાં સૌથી વધુ કેપ્સિકમ મરચાંનું વાવેતર જિલ્લાના ભિલોડા તાલુકાના ગદાદર કંપાના 30 ખેડૂતોએ 250 વીઘા જમીનમાં કર્યું છે ખેડૂતોએ એક વીઘા પાછળ અંદાજે 1 લાખ જેટલો ખર્ચ કરી વાવેતર કર્યા બાદ હાલ પાક તો તૈયાર થયો પણ એક લાખ ખર્ચની સામે માત્ર 35 હજારના કેપ્સિકમ મરચાનો ઉતારો મળી રહ્યો છે જેથી ખેડૂતો પરેશાન છે. બીજી તરફ ચાલુ સાલે ખાતર ખેડ બિયારણ તેમજ વોટર સોલેબલ જે ગયા વર્ષે 2 હજારમાં મળ્યું હતું જે ચાલુ વર્ષે 4 હજાર થઇ ગયા છે જ્યારે મરચાના ભાવ પણ પોષણ ક્ષમ નથી મળી રહયા ગયા વર્ષે 25 રૂપિયે કિલો હતા ત્યારે ચાલુ સાલે માત્ર 5 થી 7 રૂપિયે કિલો વેચાઈ રહયા છે જેથી ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવો ઘાટ થયો છે અને મરચાના વાવેતરમાં મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હોવાનું ખેડૂત આશિષભાઇ પટેલે જણાવ્યું હતું. જિલ્લાના કેટલાક ખેડૂતોએ રોકડીયા પાક સમજી કેપ્સીકમનું વાવેતર કર્યું પણ વાયરસ આવતા કેટલાક ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલો પાક ઉપર કલ્ટીવેટર ફેરવી દઈ જમીન પુનઃ અન્ય પાક માટે તૈયાર કરી છે ત્યારે ચાલુ સાલે માર્ચમાં આવેલા વાયરસ, ભાવમાં ઘટાડો જેવા કારણોએ ખેડૂતોને ખરેખર રોવડાવ્યા છે.