ઝારખંડની દિકરીનું માતા સાથે મિલન કરાવતું હિંમતનગરનું નારી સંરક્ષણ કેન્દ્ર
સાબરકાંઠા જિલ્લામાં નારી કેન્દ્ર હિંમતનગર દ્વારા ઝારખંડની મહિલાનું બે વર્ષ બાદ પોતાના સ્વજનો સાથે મિલન કરાવીને એક પરિવારને તૂટતો બચાવ્યો છે.
બે વર્ષ પહેલા ૧૮ વર્ષિય મહિલા ભાવિકા ( નામ બદલેલ છે.) પોતાના ભાઇ સાથે ઝગડો થતાં પરિવારમાં કોઇને પણ જાણ કર્યા વિના ઘરેથી નિકળી ગયેલ હતી. આ બાળકીને એક વર્ષ સુધી અરવલ્લી ખાતે કાર્યરત ચિલ્ડ્રન હોમ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. પરંતુ બાળકીની ઉંમર ૧૮ વર્ષ થતા તેને નારી કેન્દ્ર હિંમતનગર ખાતે મોકલી આપવામાં આવી હતી.
ભાવિકા સાથે કાઉન્સેલિંગ કરી સરનામુ જાણવાનો પ્રયત્ન કરતા તે ધનબાદ-ઝારખંડ રાજ્યની હોવાનું માલુમ પડ્યુ. ત્યારબાદ ધનબાદ પોલીસ સ્ટેશન સાથે સંપર્ક કરી ભાવિકાના પરીવારની જાણકારી મેળવી હતી. જાણકારી મળતા ભાવિકાના માતા સાથે વિડિયો કોલમાં વાત કરાવીને ખાત્રી કરવામાં આવી હતી. ભાવિકાની ભાર થતા જ પરિવાર સમગ્ર ડોક્યુમેન્ટ સાથે ભાવિકાને લેવા માટે નારી કેન્દ્ર હિંમતનગર ખાતે આવી પહોંચ્યો હતો. બે વર્ષ બાદ પોતાની દિકરીને સહિ સલામત જોઇને માતાએ ખુબ જ લાગણીભર્યા શબ્દોથી નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગરનો અને સરકારનો આભાર માન્યો હતો.