બોગસ આધારકાર્ડ રોકવા કેન્દ્રની નવી પોલિસી બોગસ આધારકાર્ડને રોકવા કેન્દ્રે જારી કરેલી નવી પોલિસી પ્રમાણે કામગીરી નહીં હોય તો આધારકાર્ડ રદ થશે અને તે કાઢી આપનાર ઓપરેટરને દસ હજાર સુધી દંડ થશે.હવે આધારકાર્ડના સરનામામાં ફેરફાર માટે સાંસદ, ધારાસભ્ય,કોર્પોરેટર, સરપંચ,કલાસ 1 ગેઝેટેડ ઓફિસરનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ માન્ય રહેશે.આ સિવાય અન્ય કોઈ પણ કામગીરી માટે સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં.આધારકાર્ડની નવી અથવા જૂની અરજીમાં સુધારા કરતી વેળા અરજદારે પુરાવાની અસલ કોપી સાથે રાખવાની રહેશે.સેટેલાઈટ વિસ્તારમાં આવેલા શ્યામલ ચાર રસ્તા પર આવેલ પોપ્યુલર પ્લાઝા સોમેશ્વર પાસ પાર્ક કોમ્પલેકસમાં નવા વાડજ વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર ભાવનાબહેન હસમુખભાઈ વાઘેલાના નામના ખોટા સહી-સિકકા કરીને આધારકાર્ડમાં સુધારા વધારા કરવાનુ કૌભાંડ તાજેતરમાં બહાર આવતા આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ સેટેલાઈટ ખાતે આવેલા આધારકાર્ડના કેન્દ્ર ઉપરથી ત્રણ મહિલા અને ચાર પુરુષને ખોટા સહી-સિકકા સાથેના ફોર્મ સાથે ઝડપી પાડીને આ કૌભાંડ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૭ જાન્યુઆરી-૨૦૨૩થી નવી નિતી અમલમાં મુકી છે.નવી નિતી અનુસાર હવેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આધારકાર્ડમાં સરનામુ બદલવા માટે જ તેમના સર્ટિફિકેટ આપી શકશે.આ સિવાય નવુ આધારકાર્ડ કઢાવવા,આધારકાર્ડમાં નામ કે જન્મ તારીખમાં સુધારો કરવા માટે કોર્પોરેટર,ધારાસભ્ય કે કલાસ વન ગેઝેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવશે નહીં.