ડીસામાં જિલ્લાકક્ષામાં 74 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રી અને પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આન બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી વિવિધ સંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા.

રાષ્ટ્રના 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડીસાના ટીસીડી મેદાનમાં રંગે ચંગે ઉજવાયો હતો. રાજ્યના ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી ઝીલી હતી. આ સમયે પોલીસ બેન્ડની સુરાવલી સાથે સમુહમાં રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતુ. મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું અને માર્ચપાસ્ટને સલામી આપી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આજે આપણે 74માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માટે એકત્ર થયા છીએ. ભારતએ વિશ્વની સૌથી મજબૂત લોકશાહી ધરાવે છે. ત્યારે દેશને આઝાદ કરવા માટે મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતના નામી અનામી સ્વાતંત્ર્યવીરોને નત મસ્તક શ્રદ્ધા સુમન પાઠવુ છુ, દેશની રક્ષા કરતા જવાનોને નમન કરૂ છુ, આપનો દેશ સહિત ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ આઉટ પુટ, સૌર ઉર્જા ઉત્પાદન સહિતની બાબતે દેશમાં અગ્રેસર રહ્યુ છે.

તેમણે વડાપ્રધાનની ગ્રામીણ સડક યોજના, સ્વચ્છતા મિશન તેમજ રાજ્યના રોજગારી તથા કૌશલ્ય વિકાસ, સેવાસેતુ, પ્રગતિસેતુ, આરોગ્ય, મહિલા અનામત અને સશક્તિકરણ ઉર્જા સહિતની બાબતે રાજ્ય સરકારે કરેલ કામગીરીની વિગતે માહિતી આપી હતી. જ્યારે ભારત આગામી G20 સમિટની આગેવાની કરી સમગ્ર વિશ્વમાં છવાઈ જશે તે માટે તેમણે વડાપ્રધાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ વિશિષ્ટ સિદ્ધિ ધરાવતી શાળા, ખેલાડી તથા શિક્ષકોનું સન્માન તથા પરેડ, ટેબ્લો તથા સાંસ્ક્રુતિક કાર્યક્રમના વિજેતાઓને તથા તમામ ભાગ લેનાર સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનાવાડિયા, ધારાસભ્ય પ્રવીણ માળી, માવજીભાઈ દેસાઈ, અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત નેતાઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.