ખંભાત શહેરના ઝંડાચોક વિસ્તારમાં નવીન આર.સી.સી રોડના નવનિર્માણ સમયે રેતી કપચી વગર માત્ર સિમેન્ટનો દળ ઉપયોગ કરાતા સ્થાનિકોને ભ્રષ્ટાચારયુક્ત રોડ બનતો હોવાનો માલુમ પડતા જ હોબાળો મચાવ્યો હતો એટલું જ નહિ તેનો સખત વિરોધ કરી કામ બંધ પણ બંધ કરાવ્યુ હતું.
આ અંગે ચંદુભાઈ કડીયાએ જણાવ્યું હતું કે, ખંભાતના ઝંડાચોક વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આર.સી.સી રોડ બનાવવામાં આવે છે.જેમાં કપચી નાખ્યા વિના માત્ર નિમ્ન કક્ષાની સિમેન્ટનો દળ વાપરી રોડ બનાવીને ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે.નગરપાલિકા અને મહેશભાઈ સિંધી નામના કોન્ટ્રાકટરની મિલીભગતથી પ્રજાના નાણાં વેડફાઈ રહ્યા છે.આવા કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરવાને બદલે સત્તાધીશો કટકી કરવા આવા ભ્રષ્ટાચારયુકત કામ કરનાર કોન્ટ્રાકટરને છાવરવામાં આવે છે.જેને કારણે ખંભાતની પ્રજાને સારી ગુણવત્તાયુક્ત માર્ગ મળી શકતા નથી.નોંધનીય છે કે, વર્ષોથી નગરપાલિકામાં વિકાસના રોડના કામે મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે જેની તપાસ થવી જોઈએ.
(સલમાન પઠાણ-ખંભાત)