ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટા સાથે કરેલી વરસાદી આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે અને માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી અનાજની બોરીઓ પલળી ન જાય તે માટે અને ખેડૂતોને સચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 26 થી 28 જાન્યુઆરીના ના સમયગાળામાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઇ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાનું તંત્ર એલર્ટ બન્યું છે. વરસાદને કારણે ખેડૂતોના જાનમાલને કોઈ નુકસાન ન થાય તે માટે ડિઝાસ્ટર વિભાગ દ્વારા ડીસા માર્કેટયાર્ડને જાણ કરવામાં આવી છે.

ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોની અનાજ ભરેલી બોરીઓ ખુલ્લામાં રાખવામાં આવતી હોય છે ત્યારે અચાનક કમોસમી વરસાદને લઈ ખેડૂતોની અનાજની બોરીઓ પલળી ન જાય અને તેઓને નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાં લેવા હુકમ કરાયો છે. આ સિવાય પ્રાંત અધિકારી,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરને પણ વરસાદની આગાહીને લઈ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.