ડીસા તાલુકાના આસેડા ગામે જમીન પચાવી પાડવા ના ઇરાદે એક વિધવા મહિલાના પરિવાર પર તેમનાજ સંબંધીઓ વારંવાર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પીડિત પરિવારે આઠ શખ્સો સામે જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.

ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા જેબરબેન શીવાભાઈ મકવાણા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમના પતિ મૃત્યુ પામતા પાંચ બાળકોની જવાબદારી તેમના માથે હોવાથી જેબરબેન તેમના ભાગે આવેલી જમીન પર દિવસ રાત મજૂરી કરી માંડ પરિવારનું ગુજરાત ચલાવે છે. ત્યારે તેમની બાજુમાં જ રહેતા અને તેમના સંબંધીઓ તેમની જમીન પચાવી પાડવાના ઇરાદે વારંવાર તેમને હેરાન કરે છે. ગઇકાલે પણ અલ્પેશ વાઘેલા સહિત આઠ લોકોએ જબરબેનના પુત્ર મેલાભાઈ પર ધારીયા અને લાકડી વડે હુમલો કર્યો હતો અને તેમની આ જમીન અને ગામ છોડી જતા રહેવા માટે ધમકી આપી હતી.જો તેઓ ગામ નહીં છોડે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે બાબતે ઇજાગ્રસ્ત સહિત તેમનો પરિવાર ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમની ફરિયાદ ન લેતા આ પીડિત પરિવાર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યો હતો જ્યાં હુમલો કરનારા આઠ લોકો સામે લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.