બનાસકાંઠા જિલ્લામાં ૭૪ મા પ્રજાસતાક દિનની ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે. જિલ્લા કક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણી ટી.સી.ડી. ગ્રાઉન્ડ , ડીસા ખાતે કરવામાં આવનાર છે . જેમાં પ્રભારી મંત્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે. જેમની અધ્યક્ષતામાં ધ્વજવંદન, સાંસ્કૃતિક અને દેશભક્તિ સહિતના કાર્યક્રમો સાથે પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવશે. 

    પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે તંત્ર સજ્જ બન્યું છે ત્યારે તા. ૨૪ જાન્યુઆરીના રોજ ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે સવારે - ૯:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ યોજાયું હતું.જેમાં જિલ્લાના પોલીસ જવાનો દ્વારા સંગીતના તાલે પરેડ યોજવામાં આવી હતી જેનું કલેક્ટર આનંદ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર.એન.પંડ્યા સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તથા કર્મચારીગણ જોડાયા હતા.

પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જિલ્લાની જાહેર જનતાને ઉત્સાહભેર બહોળી સંખ્યામાં જોડાવા બનાસકાંઠા જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.