કડી શહેરના હાઇવે ચાર રસ્તાની બાજુમાં આવેલા આંબેડકર સોસાયટીમાં ચાલતા જઈ રહેલા યુવાનને બે યુવાનોએ ચપ્પુના ઘા મારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યાં યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કડી પોલીસે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંઘી કાર્યવાહી કરી હતી.
કડી હાઇવે ચાર રસ્તા પાસે આવેલા આંબેડકર સોસાયટીમાં રહેતો જીગ્નાશુ કે જે કટલરીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. આંબેડકર સોસાયટીમાં તે ભાડાના મકાનમાં પરિવાર સાથે રહે છે. જમના સૌથી મોટા બહેન આજથી 9 એક માસ પહેલા મૃત્યુ પામેલા હતા અને તેમના બહેન આર્યન સાથે લીવ ઇન રિલેશનશિપમાં બે વર્ષથી રહેતા હતા. તે સમયગાળા દરમિયાન તેમના બહેને આત્મહત્યા કરી હતી. જે કેસ હજી ચાલી રહ્યો છે. જે દરમિયાન જીગ્નાશુએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરી કેસ બાબતે એફ.આઈ.આર નોંધવા રજૂઆત કરી હતી. જે રીટ અનુસંધાને નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી 5 જાન્યુઆરી 2023ના દિવસે પોલીસને બે મહિનામાં તપાસ પૂરી કરી ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આજરોજ જીગ્નાશુ અને તેનો મિત્ર એક્ટિવા લઈને બજારમાંથી પરત ફરતા હતા. તે દરમિયાન જીગ્નાશુના મિત્રએ તેને સોસાયટીના ગેટે ઉતારી ત્યાંથી ચાલ્યો ગયો હતો. જ્યાં બજારમાંથી આર્યન અને તેનો મિત્ર જીગ્નાશુનો પીછો કરી રહ્યો હતો. બાદમાં જ્યારે જીગ્નાશુના મિત્રએ જીગ્નાશુને સોસાયટીએ ઉતારતા આર્યન સોસાયટીના બીજા દરવાજાથી અંદર આવી પહોંચ્યા હતા. ત્યારે જીગ્નાશુ રસ્તા પર ચાલતો જઈ રહ્યો હતો. તે દરમિયાન આર્યન અને તેના મિત્રએ આવી કઈપણ જાણ્યા વગર જીગ્નાશુને ચપ્પાના ઘા મારી દીધા હતા. ત્યાં જીગ્નાશુ બુમાબુમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ત્યાં સુધીમાં બંને ઈસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પરિવારજનોને આ વાતની જાણ થતાં તેઓ તાત્કાલિક જીગ્નાશુને લઈને કડીની ભાગ્યોદય હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં યુવાનને વધુ ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હાલ આ ઘટના મુદ્દે કડી પોલીસે બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.