પાલનપુરના વાધણા ગામમાં રહેતા મોતીભાઈ રબારી અને તેમના ચાર ભાઈઓ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે અંદાજિત 50 થી 60 પશુઓ છે. માલધારીઓ પોતાના પશુઓને ચરાવવા માટે આસપાસના ગામોમાં લઈ જતા હોય છે.
ગઈકાલે સાંજે તેઓ વાધણા ગામે પશુને ચરાવવા માટે લઈ ગયા હતા અને ગાયોને ઘાસચારો ખવરાવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે અચાનક પશુઓ તરફડીને ઢળી પડ્યા હતા. પોતાના પશુઓની સ્થિતિ જોઈ રબારી પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક પશુ તબીબને બોલાવ્યા હતા.
ઘટનાસ્થળ પર પહોંચેલા પશુ ડોકટરની તપાસમાં પશુઓને ફૂડ પોઈઝનીંગ થયાનુ સામે આવ્યું હતું. પશુ ડોકટર દ્વારા તુંરત સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર શરૂ કરે ત્યાં સુધીમાં 20 જેટલા પશુઓના મોત નિપજી ચૂક્યા હતા. 20 જેટલા પશુઓના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું.