પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામની સીમમાં માંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવક યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર
પાવીજેતપુર તાલુકામાં ખટાસ ગામે નદી કિનારે એક વૃક્ષ ઉપર ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવક અને યુવતી નો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામમાં નદી કિનારે સ્મશાન પાસે બાજુની ઝાડીમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. વહેલી સવારે કણજીના ઝાડ ઉપર યુવતીની ઓઢણી થી ગળેફાંસો ખાધેલ, લટકતી હાલતમાં બે મૃતદેહ જોવા મળ્યા હતા. ઘટનાની જાણ વાયુવેગે આજુબાજુ માં થતા ઘટના સ્થળે લોકોટોળા ઉમટી પડ્યા હતા.આ ઘટના અંગે કદવાલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા કદવાલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકોની ઓળખની કામગીરી આરંભી હતી. જેમાં મૃતક યુવક અંકિતભાઈ ચંદુભાઈ બારીયા ( ઉ.વ 21 ) રહે. જામ્બા નિશાળ ફળિયું અને મૃતક યુવતી કવિતાબેન સેગાભાઈ રાઠવા ( ઉ.વ 21 ) ખટાશ ગામ ના નિશાળ ફળિયાની હોવાનું જાણવા મળ્યું હતું.મૃતકોના પરિવાર જનોને જાણ કરતા પરિવાર જનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આક્રંદ સાથે રુદન ના દ્રશ્યો જોવા મળ્યા હતા.કદવાલ પોલીસે બન્ને મૃતદેહને જરૂરી કાર્યવાહી કરી ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. બંને યુવક યુવતીએ સાથે ગળે ફાંસો ખાઈ લેતા પ્રેમ પ્રકરણ હોવાનું લોક ટોળામાં ચર્ચાતું હતું.