ગુજરાત આગામી 5 દિવસ ઠંડુગાર રહેશે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે . ત્યારે હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડશે. ઉત્તર પશ્ચિમ ઉત્તર તરફના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. કચ્છમાં કોલ્ડ વેવની સંભાવના છે . નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. ગુજરાતમાં ફરી એકવાર શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે. 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને તેનાથી નીચે પહોંચી ગયું છે. નલિયામાં 50 વર્ષનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતુ. નલિયામાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. નલિયામાં રેકોર્ડબ્રેક 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો પાટણમાં 6.7 ડીગ્રી, ભુજમાં 7.6, ડીસામાં 8.2, ગાંધીનગરમાં 8.3, રાજકોટમાં 8.4, અમદાવાદમાં 10 ડિગ્રી, ભાવનગરમાં 10.2 અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. બનાસકાંઠાના થરાદમાં પણ બરફના થર જામ્યા છે. રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડી નો કેહર સતત વર્તાવી રહી છે. સતત નીચા જતા તાપમાનમાં માયનસમાં પારો જઈ રહ્યો છે. માઉન્ટ આબુમાં માયનસ 6 ડિગ્રી અને ગુરુશિખરમા માયનસ 9 ડિગ્રી તાપમાન નોંધાતા સહેલાણીઓ થુંઠવાયા હતા.