ગુજરાતમાં વ્યાજખોરીના ચક્કરમાં અનેક પરિવારો બરબાદ થયા હોય સરકારે વ્યાજખોરો સામે કડક પગલાં લેવા જાગૃતિ અભિયાન શરૂ કરતાં વ્યાજખોરીની ચુગાલમાં ફસાયેલા લોકો ધીરે ધીરે પોલીસની શરણે આવવા લાગ્યા છે. ત્યારે ડીસામાં વધુ બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં ડીસા તાલુકાના દામા ગામના વ્યક્તિ પાસે તો વ્યાજખોરોએ રૂપિયા 14 લાખના બદલામાં 98 લાખની માગણી કરી બળજબરીથી તેની જમીનનો દસ્તાવેજ કરી જમીન પડાવી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ડીસા તાલુકાના દામા ગામના રમેશ બાબુજી સુથારે આઠેક વર્ષ અગાઉ તેઓને પૈસાની જરૂર પડતા લાખણી તાલુકાના ઝાકોલ ગામના ભુરાભાઈ રબારી અને તેમના ભાગીદાર અમિત દેસાઈ (રહે, મોટા કાપરા તાલુકો લાખણી) પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ લીધા હતા. જેની સામે તેઓએ 6 લાખ ઉપરાંત તે સમયે વ્યાજ ચૂકવી દીધું હતું. પરંતુ બંને જણાએ પાંચ ટકા અને ત્યારબાદ ૧૦ ટકાથી વધુ વ્યાજ માંગતા તેઓ પૈસા ના ચૂકવી શકતા બંને જણાએ વ્યાજનું વ્યાજ તેમજ પેનલ્ટી મળીને રૂપિયા 98 લાખ લેવાના નીકળે છે તેમ જણાવી વારંવાર ધાક ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. રમેશ સુથારે તેઓને તેમની જમીન વ્યાજખોરોને ગીરોખત કરીને આપી હતી. પરંતુ રૂપિયા 98 લાખ ચૂકવવાના હોવાથી બંને શખ્સોએ બળજબરીથી તેમની જમીનનો દસ્તાવેજ કરાવી જમીન પડાવી લીધી હતી. જે અંગે રમેશે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વ્યાજખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઉપરાંત ડીસા તાલુકાના સમશેરપુરા ગામના પ્રકાશ દેસાઈએ જોરાપુરા ગામના ધનાજી શાંતિજી ઠાકોર પાસે રૂપિયા દોઢ લાખ વ્યાજે લીધા હતા. જેમાં પ્રકાશે કુલ મળી ₹2,20,000 ચૂકવી દીધા હોવા છતાં ધનાજીએ દોઢ લાખની માંગણી ચાલુ રાખી પ્રકાશનું મોટરસાયકલ બળજબરીપૂર્વક પડાવી લીધું હતું .જે અંગે તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સરકાર દ્વારા વ્યાજખોરો સામે સામે કડક મુહિમ ચાલુ કરતા લોકો હવે વ્યાજખોરોથી ડરવાને બદલે પોલીસની મદદ માંગતા વ્યાજખોરીના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ડીસા તાલુકામાં જ અત્યાર સુધી વ્યાજખરોની સામે કુલ ચાર ફરિયાદ નોંધાઇ છે.