ડીસા તાલુકાના ઢુવા ગામમાં રહેતો જયંતિજી ઠાકોર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવે છે અને તેની પત્ની પોતાના રહેણાંક ઘરે દારૂ લાવી વેચતાં હોવાની બાતમી મળતાં બનાસકાંઠા એલ.સી.બી. પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી અને ઢુવા ગામમાં તેના ઘરે રેડ કરતાં જયંતિ ઠાકોર અને તેની પત્ની બંને હાજર હતા. પોલીસે તપાસ કરતાં રહેણાંક મકાનની બાજુમાં ભેંસો બાંધવાના તબેલામાં મગફળીના ભૂસા નીચે સંતાડેલા દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે નાની-મોટી કુલ રૂ. 4155 ની કિંમતની 47 દારૂની બોટલ જપ્ત કરી હતી. પોલીસે તેમની પાસેથી મોબાઇલ સહીત રૂ. 10,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ મામલે પ્રાથમિક પૂછપરછ કરતાં જયંતિ ઠાકોરને વડગામનો કુલદીપસિંહ નામનો વ્યક્તિ તેની સેન્ટ્રો ગાડીમાં હોમ ડીલીવરી કરી દારૂનો જથ્થો આપી જતો હતો અને તેની પત્ની પાસે દારૂનું વેચાણ કરાવતો હોવાનું જાણવા મળતાં પોલીસે 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.