ગુરુ મહારાજની પ્રેરણાથી ઝાબડિયા ગામના ગ્રામજનોએ કુરિવાજો અને વ્યસનોને તિલાંજલિ આપી

આજ રોજ તા.૧૩/૦૧/૨૦૨૩ને શુક્રવારે આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ, સાહેબની નિશ્રામાં ઝાબડીયા ગ્રામજનો દ્વારા ઐતિહાસીક નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે સવારે ૧૧:૦૦ વાગ્યે ઝાબડીયા ગામમાં શ્રી જાલેશ્વર મહાદેવના મંદિરે ગુરુ મહારાજનું પ્રવચન યોજાયું હતુ. ગુરુ મહારાજે પ્રવચનમાં જણાવ્યુ હતું કે વર્ષોથી ચાલ્યા આવતા આપણા આ કુરિવાજોના લીધે આજે આપણો સમાજ કેટલો બધો પાછળ રહી ગયો છે અને અન્ય સમાજો આપણાંથી ઘણા બધા આગળ નીકળી ગયા છે. ગુરુ ભગવંતે નેસડા ચાતુર્માસની કેટલીક રસપ્રદ વાતો કરી અને પોતાના અનુભવો ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા આજ પછી ગામમાં દારૂ વેચવો નહીં અને પીવો પણ નહીં, તેમજ અફીણના કસુંબાઓ અને કાંકરી પ્રથા પણ નહીં ચાલે. આગામી જાન્યુઆરીની ૨૩મી તારીખે વ્યસનમુક્તિ નિમિત્તે એકત્રિત થનારા લુણપુર ગામે લગભગ ૧૦૦ જેટલા ગામોના ઐતિહાસિક કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ગ્રામજનોએ વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા પત્રમાં સહીઓ કરી અને સહીઓવાળો પત્ર ગુરુ ભગવંતને અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઝાબડીયા ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા.