પાલનપુર ખાતે યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઇ
ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર સહિત શહેરના અગ્રણીઓએ સ્વામીજીની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાજંલિ અર્પણ કરી
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે વિશ્વવિભૂતિ અને યુગપુરુષ એવા સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના દિલ્હી ગેટ સ્વામી વિવેકાનંદ ચોક ખાતે આવેલ વિવેકાનંદજીની પ્રતિમાને રંગ રોગાન સાફ- સફાઈ કરી હિન્દુ સનાતન ધર્મના પ્રતિક એવા ભગવો ધ્વજ ફરકાવાયો હતો. પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર સહિત શહેરના અગ્રણીઓએ સ્વામીજીની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાજંલિ અર્પણ કરી હતી.
વરિષ્ઠ પત્રકારશ્રી ગણપતલાલ કે. જોષી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા પાલનપુર શહેરમાં સ્વામી વિવેકાનંદ કેન્દ્રની સને-1972માં સ્થાપના કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાવસ્થામાં પાલનપુરમાં સ્વામી વિવેકાનંદ કેન્દ્રની દક્ષિણ ભારતના કન્યાકુમારીથી વિધિવત જોડાણ કરી સ્થાપના કરાઈ હતી. તેને આજે 2023 માં 50 વર્ષ પૂર્ણ થયા હોવાનું કેન્દ્રના સ્થાપક અને અધ્યક્ષશ્રી ગણપતલાલ કે. જોષી (વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર) એ પત્રકારો સાથેની વાતચીતમાં વાતચીતમાં જણાવ્યું હતું. પાલનપુર સ્વામી વિવેકાનંદ કેન્દ્રને 50 વર્ષ પૂર્ણ થતા પાલનપુરમાં સ્વામી વિવેકાનંદજીના વિચારોને યુવાનોમાં જાગૃતિ લાવવા વર્તમાન સમયમાં આપણા દેશને સર્વોચ્ચ શિખરે લઈ જવા વિદ્યાર્થીઓ અને યુવાનોને કેન્દ્રના અધ્યક્ષશ્રી ગણપતલાલ કે. જોષીએ જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા સ્વામી વિવેકાનંદજીના વિચારોને અપનાવવા ઉપર ભાર મૂક્યો હતો.
આજે સવારે સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પાલનપુર નગરપાલિકા પ્રમુખશ્રી કિરણબેન દેવેન્દ્રકુમાર રાવલ, ઉપપ્રમુખશ્રી હસમુખભાઇ પઢિયાર, સદસ્યો સર્વશ્રી નરેશ રાણા, સાગર માળી અમી પટેલ, વર્ષા કદમ લાટીવાલા અને શહેર ભાજપ સંગઠનના તમામ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ એબીવીપી સ્થાનિક યુવાનો ભવાની ખાણેશા, હરેશ જોષી, ગૌરાંગ પાધ્યા, કનૈયાલાલ પરમાર ગૌતમભાઈ પરમાર અને સ્વામી વિવેકાનંદ કેન્દ્રના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બનાસ બેંકના ચેરમેનશ્રી સવસીભાઇ પટેલે સ્વામીજીની જન્મ જયંતિ પર યુવાનોને તેમના આદર્શોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. સ્વામીજીની પ્રતિમાને પુષ્પ માળા અર્પણ કરી સ્વામી વિવેકાનંદ અમર રહો ભારત માતાકી જય ના જયઘોષ કરી સૌને મો મીઠું કરાવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ચોક ખાતે આખો દિવસ દેશભક્તિના ગીતોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.