દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ પહાડી વિસ્તાર હોવાના કારણે અવાર-નવાર અકસ્માતો બનતાં હોય છે. ત્યારે ગઇ રાત્રે અંબાજી-હડાદ માર્ગ પર અકસ્માતની એક ઘટના બની હતી. અંબાજી અને હડાદ વચ્ચે આવેલા આંબા ઘાટા નજીક ટર્નિંગ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં અંબાજી અને હડાદ માર્ગ પર પોલીસની જીપ અકસ્માતનો ભોગ બની છે.
ગઇ રાત્રે અંબાજીથી હડાદ તરફ આવી રહેલી હડાદની પોલીસ વાહન બોલેરો જીપનો અકસ્માત સર્જાયો હતો. અંબાજી અને હડાદ વચ્ચે આવેલા આંબા ઘાટા નજીક ટર્નિંગ મોડ પર હડાદ પોલીસ સ્ટેશનની બોલેરો જીપનો અકસ્માત સર્જાયો હતો. જ્યાં ટર્નિંગ મોડ પર એકાએક માર્ગ વચ્ચે ગાય આવતાં પોલીસ વાહનના ડ્રાઇવર બ્રેક લગાવતાં ડ્રાઇવર વાહન પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં હડાદ પોલીસ સ્ટેશનના પોલીસ વાહનના ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઇજાઓ પહોંચતા હડાદ પોલીસ સ્ટેશનના બોલેરો વાહનના ડ્રાઇવર મુકેશભાઇને સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.