લોકો લગ્નતિથીની ઉજવણી કરતા હોય છે. પણ ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના એક યુવાને છૂટાછેડાની પેંડા વ્હેંચીને ઉજવણી કરી છે. એક વર્ષ પહેલાં છૂટાછેડા થયા ત્યારે બધાને પેંડા વ્હેંચ્યા હતા એ રીતે એ ઘટનાના 1 વર્ષ બાદ પણ તેની ઉજવણી ચાલુ રાખી છે.
ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના ભરતભાઇ કોટડિયાનાં લગ્ન 2018 માં કોદિયા ગામની જ્ઞાતિનીજ એક યુવતી સાથે રિતી રિવાજ મુજબ થયા હતા. 3 વર્ષ સુધી બંનેનો ઘરસંસાર ચાલ્યો. જેમાં સતત ઘરકંકાસને લીધે તેમણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. છેક 2021 માં બંનેના છૂટાછેડા થયા. એ વખતે તેમણે પોતાના છૂટાછેડાની ઉજવણી કરી. સગાંવ્હાલાં, મિત્રો, ઓળખીતાને પેંડા વ્હેંચ્યા હતા. આથી એ વખતે સોશ્યલ મીડિયા પર પણ આ ઘટના ખુબજ વાયરલ થઇ હતી. ભરતભાઇને વિદેશથી પણ આ માટેના ફોન આવતા. ભરતભાઇ પાનનો ગલ્લો ધરાવે છે. તાજેતરમાંજ તેમના છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં તેમણે ફરી બધાને પેંડા ખવડાવી છૂટાછેડાના 1 વર્ષની ઉજવણી કરી હતી. આ વાત એટલી બધી ચર્ચાસ્પદ બની હતી કે, આ પંથકમાં કઇ ડાયરો હોય તો કલાકાર પણ ભરતભાઇના છૂટાછેડાની ઉજવણીની કહાણી પોતપોતાની આગવી ઢબે રજૂ કરી લોકોને હસાવે છે.
ગીરગઢડાના નવા ઝાંખિયા ગામના યુવાનનો કિસ્સો ડાયરામાં પણ રજૂ થાય છે
ભરતભાઇ કહે છે, જો સારું પાત્ર મળશે તો ફરીથી જરૂર લગ્ન કરીશ એકવાર છૂટાછેડા થયા તો શું થઇ ગયું? રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના