ખંભાતી પતંગની વિશ્વ ફલકે બોલબાલા છે.દેશ-વિદેશમાં તેમજ રાજ્યો, મોટા શહેરોમાં ખંભાતના પતંગોની વધુ માંગ રહે છે.ખંભાતમાંથી મોટા પ્રમાણમાં પતંગોની નિકાસ થાય છે.તેમજ પતંગ રસિકો પણ ખંભાતની પતંગો ખરીદવા ખંભાત આવે છે.
ખંભાતની પતંગોની વિશેષતા એ છે કે, તેમાં વપરાતો જીલેટિન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે.વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ઠ હોવાથી ખંભાતની પતંગ આકાશમાં ઉડતી વખતે ફેઈલ જતો નથી.અંગેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતના પતંગોની બોલબાલા હતી.પેઢી દર પેઢી પતંગ કારીગરોની પરંપરા ચાલી આવી છે.કુશળ કારીગરોની કારીગીરી થકી સુંદર પતંગ તૈયાર થાય છે.
આ અંગે સુરતના અરવિંદભાઈ મીઠાપરાએ જણાવ્યું હતું કે, ખંભાતી પતંગ મનમોહક, કલાત્મક હોય છે.છેલ્લા ૨૦ વર્ષથી દર વર્ષે પરિવાર સાથે તો ક્યારેક મિત્રો સાથે ખંભાતી પતંગો ખરીદવા આવું છું.ખંભાતી પતંગ ચગાવવામાં સરળ અને દેખાવમાં સુંદર હોય છે.અને એ આકર્ષણ મને ખંભાત સુધી ખેંચી લાવે છે.
પતંગની બનાવટ પર નજર કરીએ તો, સૌથી પહેલા કાગળ કટિંગ થાય છે.ત્યારબાદ કટિંગ કરેલા કાગળોને અલગ અલગ ડિઝાઇન ચોંટાડી પતંગનું કાગળ બને છે.વચ્ચે હાડકા સમો ઢઢો લગાવાય છે.પછી કમાન ચોંટાડાય છે.પતંગની દોરી ચારેકોર મારી કિનારી તૈયાર કરાય છે.પટ્ટીઓ અને ફુમટા લગાવીને એમ સાત કારીગરોના હાથમાં એક પતંગ તૈયાર થાય છે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 95585533698