ડીસાનો 12 વર્ષીય કિશોર બન્યો માણસાઈનું ઉદાહરણ : રસ્તા માંથી 75 હજાર કીમતની સોનાની ચેન મૂળ માલિકને પરત કરી..
ડીસા તાલુકાના ભીલડી ગામે 12 વર્ષના કિશોર જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે તેણે 75 હજાર રૂપિયાની મળી આવેલી સોનાની ચેન મૂળ માલિકને પરત આપી માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખોવાયેલા ચેન પરત મળી આવતા મહિલાએ બાળક સહિત તેના પરિવારનો આભાર માન્યો હતો.
ડીસા તાલુકાના બોડાલ ગામે રહેતા કિસ્મતબેન ઠાકોર બોડાલથી ભીલડી તરફ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં 75 હજાર રૂપિયાની કિંમતની અંદાજિત અઢી તોલા સોનાની ચેન રસ્તામાં પડી ગઈ હતી. જે ચેન મુડેઠા પાસે આવેલા ગણેશપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતા ઋષિક રાઠોડને મળી આવી હતી...
જે ચેન લઈ ઋષિક તરત જ શિક્ષકો પાસે પહોંચ્યો હતો. બાદમાં શાળાના શિક્ષકોએ તપાસ કરતાં આ ચેન કિસ્મતબેનની ખોવાઈ ગઈ હોવાનું જાણવા મળતા તેમનો સંપર્ક કરી શાળાએ બોલાવ્યા હતા. વિદ્યાર્થી, ગામના આગેવાનો અને શિક્ષકોના હસ્તે ચેન મૂળ માલિકને પરત આપી હતી. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બાળકની ઈમાનદારી જોઈ લોકો ગદગદીત થઈ ગયા હતા અને બાળક સહિત તેના પરિવારનો આભાર માન્યો હતો.