ડીસા ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
પ્રજાસત્તાક પર્વ- ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૩ની ઉજવણીના આયોજન માટે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
પ્રજાસત્તાક પર્વ- ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૩ ની જિલ્લાકક્ષાની ઉજવણી ડીસા ખાતે શાનદાર રીતે કરવામાં આવશે. આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી અંગે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે અધિકારીઓને જણાવ્યું કે, પ્રજાસત્તાક મહાપર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને ગરીમાભેર થાય તેવું આયોજન કરીએ. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, પોલીસ પરેડનું નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના વ્યક્તિઓનું સન્માન, સરકારી ઇમારતો પર રોશની અને શણગાર, વૃક્ષારોપણ કરવા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેનું સુચારૂ આયોજન કરવા તેમણે અધિકારીઓને સુચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમારસિંઘ, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એન.પંડ્યા, મદદનીશ કલેક્ટશ્રી અંજુ વિલ્સન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, ડીસા પ્રાંત અધિકારીશ્રી નેહા પંચાલ સહિત સબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા દીપક પઢીયાર