કડીમાં આવેલી આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓની ઈતર પ્રવૃત્તિના ભાગરૂપે શાળા દ્વારા કડી પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. સેવા સુરક્ષા સેતુ સોસાયટીને અનુલક્ષીને વિદ્યાર્થીઓને કડી પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં કડી પોલીસ દ્વારા આવેલા વિદ્યાર્થીઓને પોલીસની કામગીરીની સમજણ આપવામાં આવી હતી.

કડી શહેરના દેત્રોજ ઉપર આવેલી આદર્શ હાઈસ્કૂલના 8 અને 9ના 88 વિદ્યાર્થીઓએ આજે કડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જ્યાં સેવા સુરક્ષા સેતુના પંકજભાઈ તેમજ કોમલબેન દ્વારા સમગ્ર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવડાવવામાં આવી હતી. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને કડી પોલીસ સ્ટેશનમાં થતા વિવિધ કાર્યો અંગે સમજ આપવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કયા ડેસ્ક પર મળવું, જેલ તેમજ રાયફલના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી. કડી આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની કાર્યપદ્ધતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. DySP આઈ.આર. દેસાઈ, PI આર.એન. પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યાં હતા.