ગુજરાત પોલીસે વ્યાજખોરો સામે મુહીમ ચાલુ કરી છે. જેમાં ડીસામાં વ્યાજખોર સામે પ્રથમ કેસ નોંધાયો છે. ભેંસોના વેપારીએ રૂપિયા 10 લાખની સામે 19 લાખ વ્યાજ ચૂકવ્યા હોવા છતાં મૂડીના 10 લાખની માંગણી માટે ચેક બેંકમાં નાખી ફરિયાદ કરી હતી. જેની સામે વ્યાજે પૈસા લેનારે એસપીને રજૂઆત કર્યાના 24 કલાકમાં જ પોલીસે વ્યાજખોર સામે ફરિયાદ નોંધી છે.

આ અંગેની વિગત એવી છે કે, મૂળ ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા અને હાલ છાપી રહેતા અબ્દુલરજાક કુરેશી ભેંસો લે-વેચનો ધંધો કરતા હતા. તે દરમિયાન તેઓને પૈસાની જરૂર પડતા ડીસાના રાજપુર બડાપુરામાં રહેતા ફકીરમહંમદ શેખ પાસેથી 10 લાખ રૂપિયા માસિક પાંચ ટકાના વ્યાજથી લીધા હતા અને તેઓ રેગ્યુલર દર મહિને 50,000 રૂપિયા વ્યાજના રોકડા ચૂકવતા હતા. 26 મહિના સુધી કુલ 13 લાખ રૂપિયા ફકીર મહંમદ શેખને વ્યાજ પેટે ચૂકવ્યા હતા. જોકે ત્યારબાદ કોરોના અને લોકડાઉન આવતા ધંધો ભાંગી પડતા તેઓ બાકીની રકમ ચૂકવી શક્યા નહોતા. જેથી ફકીરમહંમદ વારંવાર ઉઘરાણી કરતા તેઓએ પોતાની સ્વિફ્ટ કાર અને આઇસર બંને વેચીને વધુ રૂપિયા 6 લાખ આપી કુલ 19 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

ત્યારબાદ ધંધો ન હોવા છતાં ફકીરમહંમદ દ્વારા તેઓ પાસે તેમજ તેમનાં સગાસંબંધી પાસે કડક ઉઘરાણી ચાલુ રાખી સિક્યુરિટી પેટે આપેલા ચેકમાં 10 લાખની રકમ ભરી કોર્ટ કેસ કર્યો હતો. જેથી આ રકમ તેઓ ન ભરી શકતા તેમજ ફકીરમહંમદ વારંવાર હેરાન કરતા હોવાથી તેઓએ ગઈકાલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના લોકદરબારમાં રજૂઆત કરી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા પણ વ્યાજખોરો સામેની ઝુંબેશ ચાલુ થઇ હોવાથી 24 કલાકમાં જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં વ્યાજખોર ફકીરમહંમદ શેખ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.