ગીર સોમનાથમાં ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ,

૧૬ દેશ અને ૭ રાજ્યોના ૫૯ પતંગબાજો બતાવશે કૌવત

----------

સવારે ૯.૦૦ કલાકેથી સાંજે ૫.૦૦ સુધી સદભાવના ગ્રાઉન્ડ,

સોમનાથ ખાતે ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ

----------

ભવ્ય પતંગોત્સવ માણવા માટે શહેરીજનોને

વહીવટી તંત્રનું ભાવભર્યું નિમંત્રણ

----------

જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવ સિંહ ગોહિલની અધ્યક્ષતામાં

પતંગોત્સવની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

----------

ગીર સોમનાથ, તા.૧૦: સદભાવના ગ્રાઉન્ડ ખાતે ગીર સોમનાથમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. G20 થીમ પર આધારીત આ પતંગોત્સવમાં મોરક્કો, સાઉથ આફ્રિકા, મેક્સિકો, મોરેશિયસ, લિથુઆનિયા, લેબેનોન, પોલેન્ડ સહિત ૧૬ દેશ અને ૭ રાજ્યોના ૫૯ પતંગબાજો પતંગના કરતબો દર્શાવશે. આ ભવ્ય પતંગોત્સવને માણવા માટે વહીવટી તંત્રએ તમામ શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

ગુજરાત પ્રવાસન નિગમ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સદભાવના ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે ૧૧ જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાશે. જેની તૈયારીના ભાગરૂપે કલેક્ટરશ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાએ વિવિધ મુદ્દે શીર્ષ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

સદભાવના ગ્રાઉન્ડમાં યોજાનાર આ પતંગોત્સવનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના હસ્તે થશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ અતિથિ વિશેષ તરીકે ઉના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ,તાલાલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, કોડીનાર ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા તેમજ સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમાની પણ ઉપસ્થિતિ રહેશે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલ દ્વારા ભવ્ય પતંગોત્સવ માણવા માટે શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.