ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો હતો. જેમાં લોકોના પ્રશ્નોને સાંભળી તેનું તાત્કાલીક નિરાકરણ લાવવા પોલીસ અધિક્ષકે પોલીસ વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.

આ લોક દરબારમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીની સુચના અને માર્ગદર્શનથી સમગ્ર રાજ્યની સાથે સાથે બનાસકાંઠા જિલ્લાને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકારે નિયત કરેલા વ્યાજ કરતા વધુ વ્યાજ લેનારાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, શાકભાજી વેચનાર ગરીબ બહેનો અને નાના લારી ગલ્લાવાળા પાસેથી અમુક વ્યાજખોરો દ્વારા ૨૦-૨૦ ટકા વ્યાજ લઇને તેમનું શોષણ કરવામાં આવે છે એવી બાબત પણ પોલીસના ધ્યાન પર આવી છે ત્યારે તેમને આ વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા એ અમારી પ્રાથમિકતા છે.

પોલીસ અધિક્ષકે લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે સખ્તાઇથી પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે તમારી આજુબાજુ પણ ક્યાંય વધુ વ્યાજ લેવામાં આવતું હોય અથવા ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થતું જણાય તો પોલીસને ૧૦૦ નંબર પર જાણ કરીને કોઇકની જિંદગી બચાવવામાં મદદરૂપ બનીએ. પોલીસ કંટ્રોલ રૂમ પર માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે. ગુડ મોર્નીંગ અને ગુડ નાઇટના મેસેજની જગ્યાએ વ્યાજની ચુંગાલમાંથી લોકોને છોડાવવા અંગેની જાગૃતિના મેસેજ પણ ફોરવર્ડ કરવા તેમણે જણાવ્યું હતું. તેમણે લોકોને લોભ- લાલચથી દૂર રહી ફ્રોડથી બચવા માટે અપીલ કરી હતી. છેલ્લા ૬ મહિનામાં બનાસકાંઠા પોલીસે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ફ્રોડના કુલ રૂપિયા ૧.૮૫ કરોડ લોકોને પાછા અપાવ્યા છે. તેમણે કહ્યું કે, જિલ્લામાં ચાઇનીઝ દોરીઓ અને તુક્કલ વેચનાર સામે ૨૬ જેટલાં કેસો કરવામાં આવ્યા છે અને વધુ વ્યાજ વસુલનારા ૯ જેટલાં વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.       

આ અંગે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, પાલનપુર શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો અપાવવા પોલીસ સક્રિય ભૂમિકા અદા કરી રહી છે. પાલનપુરમાં જ્યાં સૌથી વધુ ટ્રાફિક રહે છે તેવા એરામા સર્કલ વિસ્તારમાં હું સાદા ડ્રેસમાં બાઇક અને સાઇકલ લઇ ટ્રાફિક સમસ્યા જાણવા નિકળું છું. જેનાથી લોકોને પડતી મુશ્કેલીઓની સાચી પરિસ્થિતિ જાણીને સમસ્યાનું નિવારણ લાવી શકાય. 

 આ લોક દરબારમાં નાયબ પોલીસ અધિક્ષક ર્ડા. જીગ્નેશકુમાર ગામીત અને એમ.બી.વ્યાસ, પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ગોસાઇ, એસ.એ.પટેલ, કે.એ.પટેલ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ, સરપંચો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.