પાવીજેતપુર તાલુકાના તારાપુર ગામના વેપારીને ₹૧,૯૦,૦૦૦/- નો ચેક આપી ખાતામાં રૂપિયા ન રાખી ચેક રીટર્ન થતા વડોદરાના અરવિંદભાઈ પંડ્યા ને પાવીજેતપુર કોર્ટે એક વર્ષની સજા તેમજ દંડ સહિત અઢી લાખ રૂપિયા ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

           પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના તારાપુરના રહીશ તેમજ બોડેલી મુકામે ખેતીને લગતી દવા અને બિયારણનો ધંધો કરતા પટેલ મુકેશભાઈ બાલુભાઈ નાઓની ઓળખાણમાં હોય તેવા અરવિંદભાઈ મોરારભાઈ પંડ્યા ( રહે. કારેલીબાગ, વડોદરા ) ને મુકેશભાઈએ તેઓના પુત્ર તેમજ તેની પત્નીને કેનેડા જવાનું હોય તો તે અંગેની ટિકિટ ની વાત કરી હતી. ત્યારે અરવિંદભાઈ પંડ્યા એ જણાવેલ કે તેઓનો મિત્ર અમિત પટેલ વિમાન ની ટિકિટ અંગે કામકાજ કરે છે. તમારી ટિકિટોનું આયોજન થઈ જશે તેમ કહેતા ટિકિટ માટે ૧,૯૦,૦૦૦/- રૂપિયા રોકડા આપ્યા હતા. બે ત્રણ દિવસ બાદ પણ ટિકિટ કે ફોન આવ્યો ન હતો તેથી મુકેશભાઈ ના નાના પુત્ર મયુરભાઈ પટેલે ૨/૦૭/૨૦૧૮ ના રોજ વડોદરા મુકામે ગયા હતા ત્યારે અરવિંદભાઈ ની મુલાકાત લીધી હતી અને જણાવેલ કે તમે ટિકિટ આપો અથવા અમારા રૂપિયા પાછા આપો. અરવિંદભાઈએ જણાવેલ કે હાલ મારી પાસે રૂપિયા નથી તેથી તેઓએ ચૂકતે કરવાના હેતુસર ૨/૦૭/૨૦૧૮ ના રોજ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, રાવપુરા શાખા નો ચેક નંબર ૧૪૧૫૬૨ આપ્યો હતો. જે ચેક ૨૪/૦૯/૨૦૧૮ ના રોજ બેંકના ખાતામાં દાખલ કરતા ચેક રીટર્ન થયો હતો. ચેક રિટર્ન થતા પાવીજેતપુર કોર્ટમાં ૧૯/૧૧/૨૦૧૮ ના રોજ કેસ ચાલતા ૨/૦૧/૨૦૨૩ના રોજ પાવીજેતપુર કોર્ટે હુકમ કર્યો છે કે આરોપી અરવિંદભાઈ મોરારભાઈ પંડ્યાએ ચેક રીટર્ન ગુનામાં એક વર્ષની કેદ ભોગવવી તેમજ દંડ સહિત ૨,૫૦,૦૦૦/- રૂપિયા ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

       આમ, પાવીજેતપુર કોર્ટે ચેક રિટર્ન ના કેસ માં વડોદરાના આરોપી અરવિંદભાઈ પંડ્યા ને એક વર્ષની કેદ તેમજ દંડ સહિત ૨,૫૦,૦૦૦/- રૂપિયા ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે.