સાબરકાંઠાના હિંમતનગરની વગડી પ્રાથમિક શાળાની દમણ-દિવ અને લક્ષદ્વીપના પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલે મુલાકાત લીધી
પ્રાથમિક શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓના જીવન વિકાસ માટે અનોખો મંત્ર આપ્યો,
હિંમતનગરની વગડી શાળામાં જન્મદિવસ નિમિત્તે બાળકોને પોષણ યુક્ત આહારની પહેલ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની વગડી પ્રાથમિક શાળાની દમણ-દિવ અને લક્ષદ્વીપના પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલે મુલાકાત લઈ ગ્રામજનોને શાળાના બાળકોના જીવન વિકાસ અંગે સુચનો કર્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અને ભૌતિક સુવિધાઓનો વિકાસ સરાહનીય રીતે કરવામાં આવી રહ્યો છે. હિંમતનગર તાલુકાના વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહન આપવા માટે દીવ દમણ અને દાદરા નગર તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ ગામના આગેવાનો અને વાલીઓના નિમંત્રણ પર હિંમતનગરના વગડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકો માટે શિક્ષકોને મહત્વનો મંત્ર આપ્યો હતો. તેઓએ શાળામાં શિક્ષકોને અને ગામના સરપંચ અને અન્ય જનપ્રતિનિધિઓ માટે નવી પ્રથા શરુઆત કરવા સૂચન કર્યુ હતુ.
જેમાં શાળામાં જેટલા શિક્ષકો ફરજ બજાવે છે તે પોતાનો, પોતાના પુત્ર પુત્રી અને માતા-પિતાના જન્મદિવસ નિમિત્તે બાળકોને ખાસ આહાર આપે. ચોકલેટના બદલે શાળાના વિદ્યાર્થીઓને કેળા, ખજૂર, નારંગી અને સફરજન જેવા ફળો અથવા ફણગાવેલા મગ અને ચણા જેવા કઠોળ આપવામાં આવે જેથી બાળકોના સ્વાસ્થ્ય અને શૈક્ષણિક હિત સાથે જીવન વિકાસનો નવો માર્ગ ખુલે. તેમના આ મંત્રને શિક્ષકો અને આગેવાનોએ ખુશીથી વધાવી લીધો હતો.
આ પ્રસંગે તેમની સાથે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા મુલાકાતમાં જોડાયા હતા.