બનાસકાંઠા જિલ્લા પોલીસના ડીસા ડિવિઝન દ્વારા ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011 અન્વયે રજીસ્ટ્રેશન કે નોંધણી કરાવ્યા વિનાના વ્યક્તિઓ નાણા ધીરધારનો કે વ્યાજ વટાવનો ધંધો કરી શકશે નહીં. તે મુજબ સોશિયલ મીડિયામાં પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. જેમાં નાણાં ધીરનાર વ્યક્તિએ સરકારે નિયત કરેલા વ્યાજ દરથી વધુ વ્યાજ દર પણ વસૂલી શકશે નહીં અને જો કોઈ આવું કૃત્ય કરશે તો ગંભીર સજાને પાત્ર થશે તેમ પણ જણાવ્યું છે.

પોલીસે ડીસાના નાગરિકોને સોશ્યલ મીડિયા થકી પણ અપીલ કરી છે કે, તમારા વિસ્તારમાં આવી ગેરકાયદેસર નાણા ધિરનારની પ્રવૃત્તિ ચાલતી હોય તો નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરવું. જ્યારે વ્યાજની ચુંગાલમાં ફસાઈને અનેક પરિવારો બરબાદ થયા છે. સામૂહિક આપઘાતના પણ બનાવો બન્યા હોવાથી પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ લોકોને પુરાવા આપવા અપીલ કરી છે. જેમાં વ્યાજખોરો વિરુદ્ધ વિડિયો, ઓડિયો ક્લિપ, હિસાબની ચિઠ્ઠી કે ડાયરી કોઈપણ પ્રકારના બાનાખત દસ્તાવેજ કે લખાણ કરેલા હોય તો તે તેમજ વ્યાજખોર દ્વારા અપાયેલી પહોંચ, રીસીપ્ટ, કરાર, સમજૂતી, એગ્રીમેન્ટ જેવા તમામ પુરાવાઓ કોઈપણ વ્યક્તિ રજૂ કરશે તો વ્યાજખોર વિરુદ્ધ કડક પગલાં લેવાશે. આમ પોલીસે ગેરકાનૂની રીતે વ્યાજખોરિનો ધંધો કરતા લોકોને ડામવા સોશિયલ મીડિયા મારફતે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.