ડીસાના લોધાવાસ વિસ્તારમાં મિલ્કત બાબતે મોટા પુત્રએ માતા અને નાના ભાઇ પર હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. જેમાં સામસામે મારામારી થતાં માતા સહીત 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના લોધાવાસમાં રત્ના રમેશભાઇ લોધા તેમના નાના પુત્ર ગોવાભાઇ સાથે રહે છે અને મોટો પુત્ર નીતિનભાઇ તેમના પરિવાર સાથે અલગ રહે છે. પરંતુ મોટા પુત્ર નીતિનને જૂદુ આપવા છતાં પણ માતાના મકાનમાં ભાગ બાબતે અવાર-નવાર બોલાચાલી થતી હતી. તે મિલ્કત પણ તેમને મળવી જોઇએ તે બાબતે વારંવાર ઝઘડો કરતા હતા. તે દરમિયાન સાંજે તેમની પત્ની પુષ્પાબેન સાથે તેઓ પાઇપ અને લાકડી લઇને માતાના ઘરે આવ્યા હતા. મિલ્કત બાબતે બબાલ કરી મકાનમાં તોડફોડ કરી હતી.

જ્યારે તેમની માતા અને નાનો ભાઇ રોકવા જતાં સામસામે મારામારી થઇ હતી. જેમાં માતાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સામસામે મારામારીમાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

 આ બાબતે ઇજાગ્રસ્ત રત્નાબેને જણાવ્યું હતું કે, 'મોટા પુત્રને જૂદુ આપવા છતાં પણ તેઓ વારંવાર અમારા ઘરે આવે છે અને મકાન બાબતે ઝઘડો કરે છે. આજે પણ નીતિન તેની પત્ની સાથે આવી ઝઘડો કરી મારામારી કરી હતી. આ મામલે અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ તેનો કોઇ ઉકેલ આવતો નથી.'