ડીસામાં બનાસ પુલ પર પાઇપો ભરેલા ટ્રેલરનો અકસ્માત સર્જાતા ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજયું છે. જેમાં અચાનક બ્રેક મારતાં ટ્રેલરમાં ભરેલી પાઇપો કેબિનમાં ઘૂસી જતાં ચાલકનું કચડાઇ જતાં મોત થયું હતું. આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના નાગુથાણાથી લોખંડની પાઇપો ભરીને એક ટ્રેલર રાજસ્થાનના બાડમેર તરફ જઇ રહ્યું હતું. આ ટ્રેલર ડીસામાં બનાસ પુલ પરથી પસાર થઇ રહ્યું હતું. તે સમયે ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત સર્જાયો હતો. અચાનક બ્રેક મારતાં જ ટ્રેલરમાં સાંકળ અને સેફટી બેલ્ટ ઢીલા થઇ જતાં લોખંડની પાઇપો કેબિનમાં ઘૂસી જતાં ચાલક પોખરસિંહ રાવત કચડાઇ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયું હતું. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.
જ્યારે ડીસા તાલુકા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોખંડની પાઇપોથી કચડાઇ ગયેલા કેબીન વચ્ચે ફસાઇ ગયેલી લાશને બહાર કાઢવા માટે તંત્ર સહીત લોકોએ 3 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. બાદમાં મૃતકની લાશને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અકસ્માતના કારણે રોડ પર થયેલા ટ્રાફીકને પણ પોલીસે ખુલ્લો કરાવી અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.