કડી તાલુકાના આદુન્દ્રા ગામે ઠાકોર વાસમાં નજીવી બાબતમાં ધીંગાણુ થયું હતું. જ્યાં માથાકૂટની અંદર બે લોકોને ઇજાઓ પહોંચી હતી. જેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કડી પોલીસે સાત ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના આદુન્દ્રા ગામે ઠાકોર વાસમાં રહેતા મંગુબેન ઠાકોર કે જેઓ વયોવૃત છે. જેઓ પરિવાર સાથે પોતાના ગામની અંદર જ રહે છે. જે ઘરે હાજર હતા અને તેમના દીકરા ખેતરમાં ગયા હતા. જે દરમિયાન મંગુબેન ઠાકોરના દીકરાનો દીકરો ઘરે આવેલો અને તેમના પાછળ પાછળ ગામના જ વિજય ઠાકોર, મુકેશ ઠાકોર અને વિપુલ ઠાકોર આવ્યા અને કહેવા લાગ્યા કે, તમારા પૌત્રને અમે અમારા ઘર આગળથી નીકળવાની ના પાડી છે તેમ છતાં કેમ નીકળે છે. જેવું કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યાં મંગુબેને કહ્યું કે, ભાઈ રસ્તો છે તો ગમે તે આવી શકે છે એવું કહેતાની સાથે જ આવેલા ત્રણેય ઈસમોએ ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલી મંગુબેન ઉપર હુમલો કર્યો હતો. જ્યાં મંગુબેનને પગે ઇજાઓ પહોંચી હતી, એ સમયે આજુબાજુના લોકો તેમજ પરિવારજનો ભેગા થઈ ગયા અને આવેલા ત્રણેય ઈસમો ભાગી ગયા હતા. મંગુબેન ઠાકોરને કડીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હુમલો કરનાર ત્રણ ઇસમો વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી.

કડી તાલુકાના આદુન્દ્રા ગામે ઠાકોરવાસમાં રસ્તા ઉપરથી નીકળવાની બાબતે ધીંગાણું થયું હતું. જ્યાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે બીજા પક્ષમાં વિપુલ ઠાકોર કે જેઓ ગામની અંદર ઠાકોરવાસમાં રહે છે અને ડ્રાઇવિંગની નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યાં છે. તેઓ પોતાના ઘરે હાજર હતા એ દરમિયાન તેઓને તેમના વાસની અંદર તેમના કાકાનો દીકરો વિજય ઠાકોર અને મુકેશ ઠાકોરનો ઊંચો અવાજ આવતો હતો. તે સાંભળીને વિપુલ દોડી ત્યાં આગળ પહોંચ્યા હતા. જ્યાં વિપુલ એ હાજર ચંદુ ઠાકોરને કહ્યું કે, તમારા દીકરાને મેં કહેલું છે કે મારા કાકાના ઘર પાસેથી નીકળવાનું નહીં તેમ છતાં ત્યાંથી જ નીકળે છે. એવું કહેતા જ સામે ચંદુ ઠાકોર, ફુલા ઠાકોર સહિતના ઉશ્કેરાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ જ્યાં વિપુલ એ કહ્યું કે, શાંતિથી વાત કરો આમ અપશબ્દો બોલશો નહીં જેવું કહેતા જ સામે ઉભેલા ચાર ઈસમોએ વિપુલ ઠાકોર ઉપર હુમલો કર્યો હતો. જ્યાં મામલો બિચકતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બંને પક્ષોને ઝઘડામાંથી છોડાવ્યા હતા. વિપુલ ને ઈજા પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં કડી પોલીસે સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.